calendar_todayFebruary 27, 2026
સુ.નગર તત્કાલિન કલેકટરના PA, જમીન શાખાના કલાર્ક અને મામલતદાર સસ્પેન્ડ
જમીન બિન ખેતી કરવાના કૌભાંડમાં EDની તપાસમાં ત્રણેયની સંડોવણીથી કાર્યવાહી
સુરેન્દ્રનગર તત્કાલીન કલેકટર અને નાયબ મામલતદારની ઇડીએ ધરપકડ કર્યા બાદ ધીમેધીમે બિન ખેતી સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને દીલ્હી બોલાવી પુછપરછ કરી નિવેદન લેવાયા હતા. એવામાં ઇડીએ કોર્ટમાં ફરીયાદ દાખલ કર્યા બાદ સુરેન્દ્રનગર તત્કાલીન કલેકટરના પીએ,કલાર્ક અને મામલતદારને સસ્પેન્ડ કરાતા અધિકારીઓમાં ફફળાટ દેખાઇ રહયો છે.
સુરેન્દ્રનગર નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ત્યાં ઇડીએ રેડ કર્યા બાદ રોકડ અને બિનખેતીના પુરાવા જપ્ત કરી એસીબીમાં તત્કાલીન કલેકટર સહિત 4 સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. અને નાયબ મામલતદાર, તત્કાલિન કલેકટર ધરપકડ કરાયા બાદ જેલમાં મોકલી દેવાયા હતા. આ લોકો પાસેથી મળેલા પુરાવા અને નિવેદનના આધારે ઇડીએ કલેકટર કચેરીના અધિકારી, સ્ટાફ અને વકીલને દીલ્હી બોલાવી પુછપરછ કરી નિવેદન લીધા હતા. ત્યારબાદ ઇડી દ્વારા કોર્ટમાં ફરીયાદ પણ દાખલ કરાઇ છે. ત્યારબાદ મહેસુલ વિભાગ પણ એકશનમાં આવી ગયુ છે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ.યાજ્ઞીક દ્વારા જિલ્લાના તત્કાલીન કલેકટરના પીએ જયરાજસીહ ઝાલા, જમીન શાખાના કલાર્ક મયુરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે તત્કાલીન ચીટનીસ મામલતદાર મયુરભાઇ દવે કે જેમનુ પણ બિન ખેતીની ટકાવારીમાં 5 % લેવામાં નામ હતુ એમને પણ ગાંધીનગર મહેસુલ વિભાગમાંથી સસ્પેન્ડ કરી ડાંગ હેડકવાર્ટર આપ્યાનું પણ જાણવા મળ્યુ છે. આમ બિન ખેતી કૌભાંડમાં સુરેન્દ્રનગર તત્કાલિન કલેકટરથી કલાર્ક સુધી ધરપકડ, જેલવાસ, કોર્ટ અને હવે મહેસુલ વિભાગે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાતા મહેસુલી આલમમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ.યાજ્ઞીકે જણાવેલ કે મારી સત્તામાં આવતા બે કર્મચારી મયુરસિંહ ગોહિલ(કલાર્ક) અને જયરાજસીહ ઝાલા (તત્કાલિન પીએ)ને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam