calendar_todayMay 9, 2026
Palanpur: મુંબઈથી પોતાના વતન આવેલા આધેડને ગાયે 15 મિનિટ સુધી લાતો અને શીંગડા મારી ઈજાગ્રસ્ત કર્યા
મુળ પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલમાં મુંબઈ ખાતે રહેતા અમૃતભાઈ શંકરભાઈ પટેલ તેમના પાલનપુર ખાતે હાઈવે પર વૃંદાવન સોસાયટીમાં રહેતા સગાને ત્યાં મળવા આવેલા હતા. તે દરમ્યાન ગાય રસ્તામાં તેમના પર હુમલો કરી અને એટલી હદે ઈજાઓ કરી કે તેમને હોસ્પિટલાઈઝ કરવા પડયા હતા. બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પાલનપુર શહેરમાં રખડતા ઢોર માટે ઢોરનો ડબ્બો બનાવવામાં આવેલો હતો તેમજ રખડતા ઢોરને પકડી અને પાંજરે પુરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આમ છતાં પણ શહેરમાં હજુ સુધી ઠેર ઠેર રખડતા ઢોરનો અડ્ડો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક સોસાયટીમાં રાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં રખડતા ઢોરનું ટોળું જોવા મળી રહ્યું છે. દરમ્યાન અવારનવાર રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત થયેલા લોકો અને અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત પણ નીપજ્યા છે. આ બાબતે નગરપાલિકા તંત્રની બેદરકારી અંગે લોકોમાં ભારે નારાજગી પ્રવત્તિ રહી છે. તેવા સંજોગોમાં પાલનપુરમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મુળ પાલનપુર તાલુકાના મડાણા ગામના અમરતભાઈ શંકરભાઈ પટેલ ધંધાર્થે મુંબઈ રહે છે અને તેઓ મુંબઈથી પાલનપુર આવ્યા હતા અને પાલનપુરમાં હાઈવે પર આવેલી વૃંદાવન સોસાયટીમાં તેઓ ઘરે જઈ રહ્યા હતા. તે વખતે ગાય તેમને શિંગડા મારી અને નીચે પછાડી દીધા હતા. નીચે પડયા બાદ ગાય તેમને રગદોળવા લાગી અને પગ વડે લાતો મારી અને એટલી હદે ઈજાઓ કરી કે તે ઉભા પણ થઈ શકતા ન હતા. તે દરમ્યાન આસપાસની સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને ગાય પાસેથી છોડાવવા માટેનો ખુબ પ્રયત્ન કર્યો પણ 15 મિનિટ સુધી આ ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો અને છેવટે લોકોએ પાણી છાંટતા ગાય ત્યાંથી દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો