calendar_todaySeptember 15, 2026
Palanpur : અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો, માર્ગો પર 200થી વધુ સેવા કેમ્પ ધમધમશે
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પુનમના મહામેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અંબાજી તરફ જતા તમામ માર્ગો પર ભક્તિ અને સેવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 35 લાખથી વધુ માઈભક્તો ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર્વ તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે. પગપાળા આવતા લાખો પદયાત્રીઓની સુવિધા માટે અંબાજી તરફ જતા વિવિધ રસ્તાઓ પર 200 થી વધુ સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે શુદ્ધ ભોજન-પ્રસાદ, પીવાનું પાણી, ચા-નાસ્તો, થાક ઉતારવા માટે આરામ કક્ષ, મેડિકલ કેમ્પ અને જરૂરી દવાઓ જેવી તમામ પાયાની સુવિધાઓ પુરી પડાશે. મહામેળામાં આ વર્ષે આસ્થા સાથે સ્વચ્છતાનો સંગમ જોવા મળશે. આ વખતે સમગ્ર મેળાને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. અંબાજી પંથકની સ્વચ્છતા, સુંદરતા અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે. યાત્રાળુઓની સુવિધા, આરોગ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. સેવા કેમ્પો મુખ્ય માર્ગની ડાબી બાજુએ રોડની કિનારીથી ઓછામાં ઓછા 30 મીટર દુર અને માત્ર તંત્ર દ્વારા મંજુર કરાયેલા સ્થળોએ જ ઉભા કરી શકાશે., દરેક કેમ્પમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી સાધનો અને મહિલા યાત્રાળુઓની સુરક્ષા માટે નારી સંરક્ષણ ડેસ્ક રાખવું ફરજીયાત છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો