android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur: ચંડીસર GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભયાનક આગ લાગી

calendar_todayMarch 22, 2026

Palanpur: ચંડીસર GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભયાનક આગ લાગી

પાલનપુર તાલુકાના ચંડીસર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં સંગ્રહિત પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને આસપાસના વેપારીઓમાં ભય ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ચંડીસર નજીક આવેલ એચ.પી.સી.એલ તેમજ પાલનપુર ફાયર વિભાગની ટીમો સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના વોટર બ્રાઉઝર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગની તીવ્રતા એટલી વધુ હતી કે તેને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર્સને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર અંદાજિત બે કલાકથી વધુ સમય સુધી સતત કામગીરી ચલાવવામાં આવી હતી અને આશરે 6000 લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પ્લાસ્ટિકના જથ્થા હોવાને કારણે આગ ઝડપથી ફેલાતી હતી. પરંતુ સમયસર પહોંચી ગયેલી ટીમે આગને વધુ ફેલાતી અટકાવી મોટી દુર્ઘટના ટાળી હતી. આગ લાગતા આસપાસના ગોડાઉન માલિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને તેઓએ પોતાનો માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવા દોડધામ કરી હતી. કેટલાક લોકોએ સ્વયંસેફટી પગલાં તરીકે પોતાના ગોડાઉન ખાલી કર્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જેને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. પરંતુ ગોડાઉનમાં રહેતા માલસામાનને ભારે નુકશાન થયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam