android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palitana : શક્તિનગરમાં 181 અભયમની ટીમે બાળલગ્ન અટકાવ્યા, લગ્નમાં તપાસ કરતા કન્યા સગીર નીકળી

calendar_todayMay 10, 2026

Palitana : શક્તિનગરમાં 181 અભયમની ટીમે બાળલગ્ન અટકાવ્યા, લગ્નમાં તપાસ કરતા કન્યા સગીર નીકળી

181 અભયમ વુમન હેલ્પલાઈનની સતર્ક કામગીરીના કારણે પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં એક બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, ગારિયાધાર તાલુકાના વાવડી ગામેથી જાન પાલીતાણા ખાતે આવી હતી અને લગ્નવિધિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આ દરમિયાન 181 અભયમ ટીમને બાળલગ્ન થવાની માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી

તપાસ દરમિયાન કન્યાની ઉંમર સંબંધિત દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા, જેમાં કન્યા સગીર હોવાનું સામે આવ્યું હતું. કાયદા મુજબ સગીર વયની યુવતીના લગ્ન કરાવવું ગુનો બનતો હોવાથી 181 અભયમ ટીમે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ પાલીતાણા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.

સમયસરની કામગીરીના કારણે એક બાળલગ્ન અટકી શક્યું

પોલીસે સગીર કન્યા, વરરાજા તેમજ બંને પક્ષના માતા-પિતાને પૂછપરછ માટે પોલીસ મથકે લવાયા હતા. ઉપરાંત લગ્નવિધિ કરાવનાર વ્યક્તિને પણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસે બાળલગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કન્યા સગીર હોવાનું સ્પષ્ટ થતાં લગ્ન તરત જ અટકાવવામાં આવ્યા હતા. 181 અભયમ ટીમની સમયસરની કામગીરીના કારણે એક બાળલગ્ન અટકી શક્યું હતું. સમાજમાં બાળલગ્ન જેવી કુપદ્ધતિને રોકવા માટે સરકાર અને પોલીસ વિભાગ સતત જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચર્ચા જોવા મળી હતી. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો ક્યાંય બાળલગ્ન થતું હોય તેવી માહિતી મળે તો તરત જ પોલીસ અથવા 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરવી, જેથી સમયસર કાર્યવાહી થઈ શકે.

આ પણ વાંચો : Jasdan News : જૂના બસ સ્ટેશન પાસે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ, લાકડીઓ ઉછળતા મચી અફરાતફરી