android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal: શહેરામાં MGVCL ના દરોડા, 134 વીજ કનેક્શનમાંથી 37.33 લાખની વીજ ચોરી ઝડપાઈ

calendar_todayAugust 31, 2026

Panchmahal: શહેરામાં MGVCL ના દરોડા, 134 વીજ કનેક્શનમાંથી 37.33 લાખની વીજ ચોરી ઝડપાઈ

પંચમહાલ જિલ્લાના શહેરા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાની ફરિયાદો મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ના ઉચ્ચ અધિકારીઓને મળી રહી હતી. આ ફરિયાદોના આધારે વીજ કંપનીએ આક્રમક વલણ અપનાવીને દરોડાનું આયોજન કર્યું હતું.

પંચમહાલના શહેરામાં MGVCL ની કડક કાર્યવાહી

સોમવારે વહેલી સવારે ગોધરા, લુણાવાડા અને હાલોલ વિભાગની 39 જેટલી સંયુક્ત વીજ ચેકિંગ ટીમોએ સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે શહેરા શહેર તેમજ તાલુકાના ૨૫ થી વધુ ગામોમાં એકસાથે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ કંપનીની ટીમોએ શહેરા સિટી ઉપરાંત સાદરા, તરસંગ, ભુરખલ, નાડા, વાઘજીપુર, વાડી સહિતના અનેક અંતરિયાળ ગામોમાં ઘરેલુ, વ્યાપારી અને ખેતી વિષયક વીજ જોડાણોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન ડાયરેક્ટ લંગરિયા નાખીને તેમજ મીટરમાં ગેરરીતિ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

134 કનેક્શનમાંથી પકડાઈ ગેરરીતિ

તપાસ દરમિયાન કુલ 134 વીજ કનેક્શનમાં ગંભીર ગેરરીતિ અને વીજ ચોરી પકડાતાં સંબંધિત ગ્રાહકોને કુલ રૂ. 37.33 લાખનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે.દંડ ભરપાઈ ન કરનારાઓ સામે વીજ કનેક્શન કાપવા અને કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. MGVCL ની આ લાલ આંખથી સમગ્ર પંચમહાલ જિલ્લાના વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Ahmedabad: તુલશી ઈન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો 20 લાખ રોકડ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર ઉપાડી ગયા