android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal News : પાવાગઢમાં આસો નવરાત્રિનો ભારે ઉત્સાહ, ત્રીજા નોરતે મા કાલીના દર્શને ઉમટ્યું ભક્તોનું મહેરામણ...

calendar_todayOctober 13, 2026

Panchmahal News : પાવાગઢમાં આસો નવરાત્રિનો ભારે ઉત્સાહ, ત્રીજા નોરતે મા કાલીના દર્શને ઉમટ્યું ભક્તોનું મહેરામણ...

ગુજરાતના પ્રખ્યાત અને પૌરાણિક યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી મહોત્સવને લઈને ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના ત્રીજા નોરતે વહેલી સવારથી જ ડુંગર પર બિરાજમાન જગતજનની માં મહાકાળીના દર્શન કરવા માટે દૂર-દૂરથી માઈભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. વહેલી સવારની આરતી અને પૂજન અર્ચન સાથે જ પાવાગઢ ડુંગર પરિસર 'જય મહાકાળી' અને 'જય અંબે'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને માતાજીના દર્શન કર્યા હતા.

પ્રથમ નોરતાથી અત્યાર સુધીમાં બે લાખથી વધુ માઈભક્તોએ લીધા દર્શનનો લાહોર

આસો નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન યાત્રાધામ પાવાગઢમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણે શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે પણ નવરાત્રીના પ્રારંભ એટલે કે પ્રથમ નોરતાથી જ યાત્રાધામમાં માઈભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ, નવરાત્રીના પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢ પર્વત પર પહોંચીને માં મહાકાળીના દર્શન કરી ચૂક્યા છે. રોપ-વે અને સીડીઓ દ્વારા માતાજીના મંદિર સુધી પહોંચતા માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સુરક્ષા અને સુવિધાઓ માટે વહીવટી તંત્ર સતર્ક

ભક્તોની અદભુત ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તેમજ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગવા છતાં સુચારુ વ્યવસ્થાને કારણે શ્રદ્ધાળુઓએ સરળતાથી માં મહાકાળીના દર્શનનો લાભ લીધો હતો અને નવરાત્રીના આ પવિત્ર પર્વને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : ગટરના અંધકારમાં ક્યાં ગાયબ થઈ બાળકી? ચોથા દિવસે પણ રેસ્ક્યુ ટીમ હાથઘસતી રહી ગઈ...!