android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal News: શહેરા APMCની 10 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી જંગ બન્યો રોમાંચક

calendar_todayAugust 30, 2026

Panchmahal News: શહેરા APMCની 10 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી જંગ બન્યો રોમાંચક

પંચમહાલ જિલ્લાના શહેરા માર્કેટિંગ યાર્ડ (APMC)ની ખેડૂત વિભાગની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 14 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના ગઢ ગણાતા આ યાર્ડમાં આ વખતે ચૂંટણીનો જંગ ભારે રોમાંચક બનવાના પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.

ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર અને વર્તમાન ચેરમેન સામસામે

આ વખતની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ ઉમેદવારો મેદાનમાં ઉતરતાં સ્પર્ધા રસપ્રદ બની છે. શહેરાના સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડે ઉમેદવારી નોંધાવીને પોતાની દાવેદારી મજબૂત કરી છે. સામે પક્ષે માર્કેટિંગ યાર્ડના વર્તમાન ચેરમેન પ્રભાતભાઈ પટેલ પણ પોતાની સત્તા જાળવી રાખવા માટે પુરા જોશથી મેદાનમાં ઉતર્યા છે.

ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર

ચૂંટણી પ્રક્રિયા અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર, આગામી 2 સપ્ટેમ્બરના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. જો ઉમેદવારી પાછી ખેંચાય નહીં તો 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે અને 10 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવનારી મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે.

Panchmahal News: Shehra APMC Election Heat Up with 14 Candidates for 10 Seats

ભાજપના ગઢ પર કોનો લહેરાશે ભગવો?

હરહંમેશ ભાજપનો ભગવો લહેરાતા શહેરા માર્કેટિંગ યાર્ડ પર આ વખતે વર્ચસ્વ કોનું રહેશે તે અંગે સમગ્ર જિલ્લાના સહકારી અને રાજકીય આલમમાં ચર્ચાઓ જામી છે. જૂથબંધી અને સત્તા ટકાવી રાખવાના આ જંગમાં 9મી સપ્ટેમ્બરે યોજાનારું મતદાન અને 10મીએ આવનારા પરિણામો જ નક્કી કરશે કે શહેરા યાર્ડનું સુકાન કોના હાથમાં જશે.


આ પણ વાંચો - Godhra: વૈભવી કારમાં લઈ જવાતો રૂપિયા 6.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો