android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: બગવાડા દરવાજા પાસે 10 ફૂટ ઊંડા ભુવામાં એસટી બસ ફસાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

calendar_todaySeptember 9, 2026

Patan: બગવાડા દરવાજા પાસે 10 ફૂટ ઊંડા ભુવામાં એસટી બસ ફસાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજા નજીક મુખ્ય બજારના જાહેર માર્ગ પર આજે એક મોટી હોનારત ટળી હતી. ચાણસ્મા તરફથી મુસાફરોને લઈને પાટણ આવી રહેલી એસટી બસ બગવાડા દરવાજા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ બેસી ગયો હતો. રસ્તો બેસી જતાં જ અંદાજે 10 ફૂટ ઊંડા ભુવામાં બસનું એક તરફનું ટાયર ઘૂસી ગયું હતું અને બસ એકતરફ નમી ગઈ હતી.

બસનું ટાયર ભુવામાં ઘૂસી જતાં બસ નમી ગઈ

બસ અચાનક નમી જતાં જ તેમાં સવાર મુસાફરોના જીવ તાળવે બંધાયા હતા અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, બસ ચાલકની ત્વરિત સૂઝબૂઝ અને સદનસીબે બસ પલટી ન જતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જાહેર માર્ગ પર બસ ભુવામાં ફસાતાં જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોના મોટા ટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટના બાદ તરત જ ક્રેન બોલાવીને ભુવામાં ફસાયેલી એસટી બસને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

મુખ્ય બજાર જેવા ગીચ વિસ્તારમાં બસ ભુવામાં ફસાવાની ઘટનાને પગલે નિદ્રાધીન પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. બનાવની જાણ થતાં જ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇનના લીકેજ અથવા ખામીના કારણે રસ્તો અંદરથી ધોવાઈ જતાં આ મોટો ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભુવાવાળી જગ્યા પર બેરિકેટિંગ કરીને મુખ્ય બજારનો એક સાઇડનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે ભુવાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી બે દિવસમાં આ કામગીરી પૂર્ણ કરીને રસ્તો પૂર્વવત કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: બદલાતા હવામાને વધાર્યો રોગચાળો; સોલા સિવિલમાં 13 હજારથી વધુ OPD, 1571 દર્દી હોસ્પિટલ ભેગા