android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: સમીના રાણાવાડામાં જમીન વિવાદમાં યુવકની કરપીણ હત્યા, 3 આરોપીઓ ગિરફ્તાર

calendar_todayAugust 28, 2026

Patan: સમીના રાણાવાડામાં જમીન વિવાદમાં યુવકની કરપીણ હત્યા, 3 આરોપીઓ ગિરફ્તાર

પાટણ જિલ્લાના સમી તાલુકા હેઠળ આવેલા રાણાવાડા ગામમાં કૌટુંબિક સંબંધોને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. રાણાવાડા ગામમાં રહેતા વાલ્મીકિ પરિવારમાં માત્ર 3 વીઘા જમીન વેચવા બાબતે ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. આ ચર્ચા દરમિયાન પરિવારના નિકુલભાઈ પેથાભાઈ વાલ્મીકિએ જમીન વેચવા માટેના કાગળો પર સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

સમીમાં 3 વીઘા જમીન માટે લોહિયાળ ખેલ

સહી કરવાની ના પાડતાં જ કૌટુંબિક સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ગેમરભાઈ પૂંજાભાઈ, મૃતકના કાકા મનુભાઈ પૂંજાભાઈ અને કૌટુંબિક ભાઈ અશોકભાઈ સોમાભાઈએ આવેશમાં આવીને નિકુલભાઈ પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચતાં નિકુલભાઈ વાલ્મીકિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. નિકુલ પર થઈ રહેલા લોહિયાળ હુમલાને જોઈ તેને બચાવવા માટે તેની માતા અને બહેન વચ્ચે પડ્યાં હતાં. પરંતુ જમીનના મોહમાં અંધ બનેલા આરોપીઓએ તેમને પણ ન છોડતાં ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો.

પોલીસે કાકા-ભાઈઓ સહિત 3ની કરી ધરપકડ

બનાવની જાણ થતાં જ સમી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ત્વરિત તપાસ ચલાવીને સમી પોલીસે હત્યા આચરનારા ત્રણેય આરોપીઓ ગેમરભાઈ પૂંજાભાઈ, મનુભાઈ પૂંજાભાઈ અને અશોકભાઈ સોમાભાઈની ધરપકડ કરી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Surat:સ્મીમેરમાં યુવતીના મોત કેસમાં પ્રેમી દિલીપ સામે રાજસ્થાનમાં અપહરણનો ગુનો, પીએમ રિપોર્ટમાં કુદરતી મોત