android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan News: હારીજ નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે યુવકો પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબ્યા, બંનેના મોત

calendar_todayAugust 17, 2026

Patan News: હારીજ નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે યુવકો પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબ્યા, બંનેના મોત

પાટણ જિલ્લાના હારીજ પંથકમાંથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. કુરેજા ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે આશાસ્પદ યુવકોના પાણીના ઊંડા અને ઝડપી પ્રવાહમાં તણાઈ જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર હારીજ પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

રિક્ષા કેનાલના કિનારે પાર્ક કરીને કેનાલમાં ન્હાવા માટે પડ્યા

મળતી માહિતી મુજબ, બંને યુવકો પોતાની રિક્ષા કેનાલના કિનારે પાર્ક કરીને કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા. તે દરમિયાન એક યુવાન પાણીના ઊંડા પ્રવાહમાં ગરકાવ થવા લાગ્યો હતો. મિત્રને ડૂબતો જોઈ તેને બચાવવા માટે બીજો મિત્ર પણ પાણીમાં કૂદી પડ્યો હતો, પરંતુ કમનસીબે પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તેને બચાવવા ગયેલો બીજો મિત્ર પણ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

બંને યુવકોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કઢાયા

ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ હારીજ પોલીસ અને પાટણ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહમત બાદ બંને યુવકોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા.

 પરિવારજનો પર આભ તૂટી પડ્યું 

મૃતકોની ઓળખ હરેશભાઈ શંકરભાઈ (ઉંમર વર્ષ 27, રહે. ભલગામ) અને ઠાકોર સંજયભાઈ અમરસંગ (ઉંમર વર્ષ 24, રહે. કુણઘેર) તરીકે થઈ છે. બંને યુવાનોના આકસ્મિક અવસાનથી તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો   :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન