calendar_todaySeptember 17, 2026
PM Modi Birthday: BJP એ શેર કર્યો 34 વર્ષ જૂનો ફોટો,અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો ૭૬મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર દેશભરમાંથી શુભેચ્છાઓનો પ્રવાહ વહી રહ્યો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને રાષ્ટ્રસેવા માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો એક ૩૪ વર્ષ જૂનો ઐતિહાસિક ફોટો ભારે ચર્ચામાં આવ્યો છે.
1992 નો પીએમ મોદીનો એક ફોટો શેર કર્યો
ભાજપે શ્રીનગરના લાલ ચોકનો ૧૯૯૨નો એક પ્રખ્યાત ફોટો શેર કર્યો છે, જેમાં યુવાન નરેન્દ્ર મોદી નજરે પડે છે. ૨૬ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ તત્કાલીન ભાજપ અધ્યક્ષ ડૉ. મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં 'એકતા યાત્રા' કન્યાકુમારીથી શ્રીનગર સુધી કાઢવામાં આવી હતી અને લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક યાત્રાના આયોજનમાં યુવાન આયોજક તરીકે પીએમ મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભાજપે આ ફોટો શેર કરીને લખ્યું કે આઝાદી અને રાષ્ટ્રીય એકતાના સંકલ્પથી શરૂ થયેલી એક યુવા આયોજકની આ સફર આજે દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચી છે.
ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છા
દેશના દિગ્ગજ નેતાઓએ પણ પીએમ મોદીને જન્મદિવસની વિશેષ શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અથાક મહેનત, બલિદાન અને દૂરંદેશીના પ્રતીક સમાન પીએમ મોદીનું જીવન અટલ સંકલ્પની ગાથા છે, જે લાખો દેશવાસીઓ માટે પ્રેરણાદાયક છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના ૨૫ વર્ષના જાહેર જીવનના કાર્યોને બિરદાવતા કહ્યું કે તેમણે સુશાસનને પોતાનો સંકલ્પ બનાવ્યો છે.
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ તેમના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરતા ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.
આ પણ વાંચોઃ Weather Update : દિલ્હી, યુપીથી લઇને હિમાચલ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી