calendar_todaySeptember 8, 2026
PM Modi In Gujarat LIVE : PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયા
PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM બપોરે 12 વાગ્યા સુધીમાં MSU પેવેલિયન પહોંચશે. PM મોદીના આગમનને લઈને શહેરના યુવાનો અને ખાસ કરીને 'Gen Z' વર્ગમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાલાઘોડા સર્કલથી એક ભવ્ય પદયાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતાં સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પદયાત્રા દરમિયાન "ભારત માતા કી જય"ના ગગનભેદી નારાઓ સાથે કાર્યકરોનો જોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો, અને કાલાઘોડા સર્કલથી શરૂ થયેલી આ પદયાત્રાએ વડોદરાવાસીઓમાં વડાપ્રધાનના સ્વાગત માટે અનોખો ઉત્સાહ પૂરી દીધો હતો.
કાલા ઘોડા સર્કલ બન્યું ગરબાનું કેન્દ્ર
PMના સ્વાગત માટે 1,000થી વધુ Gen Z યુવાનો કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. PMના આગમન પૂર્વે જ શહેરના પ્રસિદ્ધ કાલા ઘોડા સર્કલ પર યુવાનો ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા. ઢોલના ધબકારે ગરબાની રમઝટ સાથે યુવાનોનો ઉત્સાહ છલકાયો હતો અને કાલા ઘોડા સર્કલ યુવાનોના ગરબાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.
MSU યુવાનોમાં જોશ અને ફેકલ્ટી ડીનનું નિવેદન
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીના યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચ્યા છે અને સતત ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. યુવાનોએ જણાવ્યું હતું કે, "અમે મોદીજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, અમને તેમની બોલવાની વિશિષ્ટ સ્ટાઈલ ખૂબ ગમે છે." આ પ્રસંગે MSU કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, યુવાનોમાં એટલો જબરદસ્ત ક્રેઝ છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્થાન મર્યાદાના કારણે રજિસ્ટ્રેશન પણ કરી શક્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોદીજી જલ્દી ફરી વડોદરા આવે ત્યારે આનાથી પણ મોટો ડોમ બનાવવામાં આવે જેથી તમામ યુવાનો જોડાઈ શકે.
હેડસેટ, રેમ્પ વોક અને સેલ્ફી પોઇન્ટ
આજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તદ્દન નવી શૈલીમાં યુવાનો સમક્ષ રજૂ થશે. ડોમમાં ખાસ તૈયાર કરવામાં આવેલા રેમ્પ પર ચાલીને PM યુવાનો વચ્ચે પહોંચશે. તેઓ હેડસેટ લગાવીને સીધા જ યુવાનો સાથે સંવાદ સાધશે. રેમ્પની બિલકુલ નજીક યુવાઓ અને યંગ પ્રોફેશનલ્સ બેસી શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનો PM સાથે યાદગાર સેલ્ફી લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો