calendar_todaySeptember 17, 2026
PM Modi’s 76th Birthday LIVE : "રામ મંદિર, 370 અને સંસ્કૃતિનું જતન", PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલેશ્વર દાસજીનું મોટું નિવેદન
PM નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની જન્મભૂમિ વડનગરમાં વિવિધ દિવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રસંગે મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી ખાસ વડનગર ખાતે પધાર્યા હતા. PM મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને સમગ્ર વડનગર નગરીમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વડનગરના વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર સવારથી જ ઉજવણીની ધામધૂમ શરૂ થઈ ગઈ છે.
200 ઋષિકુમારો દ્વારા ડમરુનાદ અને શંખનાદ સાથે મહાનુભાવોનું સ્વાગત
આ ઉજવણી અંતર્ગત વડનગરમાં ડમરુનાદ અને શંખનાદ માટે એક વિશેષ અને ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સિદ્ધપુરથી ખાસ પધારેલા 200 જેટલા ઋષિકુમારો દ્વારા એકસાથે શંખનાદ અને ડમરુનાદ કરીને કાર્યક્રમમાં પધારેલા આમંત્રિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત સાંજના સમયે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત થનારી મહાઆરતી દરમિયાન પણ આ 200 ઋષિકુમારો દ્વારા દિવ્ય શંખનાદ અને ડમરુનાદ કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવવામાં આવશે.
"હિન્દુ સંસ્કૃતિનું જતન અને વિશ્વ સ્તરે ભારતનો ડંકો": અખિલેશ્વર દાસજી
વડનગર ખાતે ઉપસ્થિત રહેલા મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ PMના નેતૃત્વની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દેશમાં આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને કશ્મીરમાંથી કલમ 370 હટાવીને દેશને એક તાંતણે બાંધવાનું કામ થયું છે. તેમણે ઉમેર્યું કે PM મોદીના પ્રયાસોથી જ આજે હિન્દુ સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે. જ્યારે પણ કોઈ વિદેશી મહેમાન ભારત આવે છે ત્યારે PM તેમને પવિત્ર મંદિરોના દર્શને લઈ જાય છે અને પવિત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટમાં આપીને ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક પરિચય કરાવે છે.
આ પણ વાંચો : Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર