calendar_todayAugust 31, 2026
PM Poshan Yojanaના 96 હજાર કર્મચારીઓનું સરકારને અલ્ટીમેટમ, પડતર માંગણીઓ ન સંતોષાય તો...
રાજ્યભરની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પીરસતા PM પોષણ યોજનાના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંક્યું છે. વર્ષોથી સળગતા પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે 96,000 જેટલા કર્મચારીઓએ એકજૂથ થઈને સરકારને આખરી અલ્ટીમેટમ આપી દીધું છે.
અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં રોષ
PM પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ વિતેલા ઘણા સમયથી પોતાના હક્કો અને વિવિધ પડતર માંગણીઓ અંગે તંત્ર અને સરકારના દ્વાર ખટખટાવી રહ્યા છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય અને સંતોષકારક નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જન્મી છે. કર્મચારી મંડળોએ સ્પષ્ટ કર્યું છે કે, જો તેમની વ્યાજબી માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં કામગીરી ઠપ્પ કરીને ઉગ્ર આંદોલન કરશે.
માસિક રૂ. 30,000 લઘુત્તમ વેતન ચૂકવવા માગ
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં વેતન વધારો સૌથી અગ્રસ્થાને છે. મોંઘવારીના આ યુગમાં હાલ મળી રહેલું માનદવેતન અત્યંત ઓછું હોવાનો આક્ષેપ કરીને કર્મચારીઓએ માસિક લઘુત્તમ વેતન રૂ. 30,000 ચૂકવવાની માગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે, આટલી આકરી મહેનત સામે મળતું વેતન પરિવારનું ગુજરાન ચલાવવા માટે અપૂરતું છે.

અકસ્માતમાં રૂ. 4 લાખનું વળતર અને નોકરીની સુરક્ષા આપવા રજૂઆત
આર્થિક માગણીઓ ઉપરાંત કર્મચારીઓએ પોતાની સામાજિક અને નોકરીની સુરક્ષાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે.
- અકસ્માત વળતર: ફરજ દરમિયાન જો કોઈ કર્મચારીનું આકસ્મિક રીતે મોત નિપજે તો તેના આશ્રિત પરિવારને રૂ. 4 લાખનું આર્થિક વળતર આપવામાં આવે.
- નોકરીની સુરક્ષા: વર્ષોથી અસ્થાયી ધોરણે કામ કરી રહેલા આ તમામ કર્મચારીઓને નોકરીની કાયમી કે પૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવે.
જો સરકાર દ્વારા આગામી સમયમાં આ દિશામાં કોઈ સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે, તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભોજન વ્યવસ્થા ખોરવાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચો - Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ