calendar_todaySeptember 14, 2026
Porbandar: દરિયામાં ભારે કરંટ વચ્ચે બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ; 12 જિલ્લામાં રેડ એલર્ટ
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા પોરબંદર જિલ્લામાં આખરે મેઘરાજાએ રૌદ્ર અને ભવ્ય રૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળડીબાંગ વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. પંથકમાં ખાબકેલા સાર્વત્રિક વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગુજરાતના 12 જેટલા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર
દરમિયાન, હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 12 જેટલા જિલ્લાઓમાં સાંજે 4 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા અને પવન સાથેના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાવાની શક્યતાને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને કિનારે ઊંચા રાક્ષસી મોજાં ઉછળી રહ્યા છે. દરિયાઈ વાતાવરણ વણસતાં અને પવનની ગતિ વધતાં પોરબંદર બંદર પર તંત્ર દ્વારા 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દરિયામાં સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંભવિત હોનારત કે હોડીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પોરબંદરના બંદર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને સંપૂર્ણ સાવચેતી વર્તવા કડક સૂચના આપવામાં આવી છે.