calendar_todaySeptember 28, 2026
Prantij : કરોલમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સભામાં હોબાળો થયો
પ્રાંતિજ તાલુકાના કરોલ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 65મી વર્ષ 2025-26ની સાધારણ સભા યોજાઈ હતી. સભામાં દૂધ મંડળીના ચેરમેન, સભ્યો, દૂધધારકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાધારણ સભા દરમિયાન વિવિધ પ્રશ્નોને લઈને ગ્રામજનો અને દૂધધારકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ વર્ષથી દૂધ ધારકોને સ્થાનિક વધારો આપવામાં આવ્યો નથી. ઉપરાંત મંડળીના હિસાબ-કિતાબમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ બાબતે ગામના સરપંચ કાજલબેન મકવાણા દ્વારા સાબર ડેરી તેમજ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ છેલ્લા એક વર્ષથી ઓડિટની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવાયું છે. જોકે, સાધારણ સભા દરમિયાન પણ આ મુદ્દે ગ્રામજનોને સંતોષકારક જવાબ ન મળતા વિરોધ અને હોબાળો થયો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, જ્યાં સુધી સમગ્ર મામલાનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી દૂધ મંડળીમાં દૂધ ભરાવવાનું બંધ રાખવામાં આવશે. આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા દૂધના હિસાબમાં મોટી રકમની ગેરરીતિ થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ઓડિટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હકીકત સ્પષ્ટ થઈ શકે છે
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો