calendar_todayFebruary 26, 2026
Punjabમાં ડ્રગ્સ કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો, 45.9 કિલોગ્રામ હેરોઈન, પિસ્તોલ, કારતૂસ જપ્ત
પંજાબમાં નોંધાયેલા ક્રોસ બોર્ડર ડ્રગ્સ અને હથિયાર કેસમાં ફરાર આરોપી રહેમત અલી શેખને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીની રખિયાલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. તેની પાસેથી 45.9 કિલોગ્રામ હેરોઈન, એક પિસ્તોલ, જીવંત કારતૂસ અને 4 હેન્ડ ગ્રેનેડ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પંજાબથી ભાગી નેપાળ ભાગી ગયો હતો આરોપી
પોલીસના જણાવ્યા મુજબ આરોપી પંજાબમાં નોંધાયેલા ગંભીર ડ્રગ્સ અને ગેરકાયદેસર હથિયાર સપ્લાય કેસમાં વોન્ટેડ હતો. તપાસ દરમિયાન ખુલ્યું કે ગુનામાં સંડોવણી બહાર આવતા તે પંજાબમાંથી ફરાર થઈ ગયો હતો અને પહેલા નેપાળ ભાગી ગયો હતો. ત્યારબાદ બિહાર મારફતે ફરી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને ગુજરાતમાં આવી છુપાયો હતો. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની હિલચાલ પર નજર રાખી હતી. ચોક્કસ માહિતીના આધારે રખિયાલ વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
આંતરરાષ્ટ્રીય કડીઓ હોવાની સંભાવના
જપ્ત કરાયેલા નશીલા પદાર્થ અને હથિયારોની આંતરરાષ્ટ્રીય કડીઓ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હવે આરોપીની પુછપરછ કરી રહી છે અને તેની સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ શકે તેવી શક્યતા છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
આ પણ વાંચો : Sanand: માઈક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે