android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Purvanchal Expressway એરસ્ટ્રીપ પર વાયુસેનાનો યુદ્ધાભ્યાસ, સુખોઈ-મિરાજના કરતબો જોવા મળ્યા

calendar_todayApril 22, 2026

Purvanchal Expressway એરસ્ટ્રીપ પર વાયુસેનાનો યુદ્ધાભ્યાસ, સુખોઈ-મિરાજના કરતબો જોવા મળ્યા

ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર આવેલા અખલિકિરી કરવત ગામ નજીકની 3.2 કિમી લાંબી એરસ્ટ્રીપ પર આજે ભારતીય વાયુસેનાએ વિશાળ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ એર શોમાં સુખોઈ-30 MKI, જગુઆર, મિરાજ-2000 અને તેજસ જેવા લડાકુ વિમાનો સાથે C-295 અને AN-32 જેવા પરિવહન વિમાનો ભાગ લઈ રહ્યા છે.


ટ્રાફિકને 1 મે સુધી માટે ડાયવર્ટ કરવામાં આવ્યો

આ અભ્યાસનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિઓમાં હાઈવેને રનવે તરીકે ઉપયોગ કરવાની વાયુસેનાની ક્ષમતાનો પરિક્ષણ કરવાનો છે. સુરક્ષા કારણોસર પ્રશાસને એક્સપ્રેસવેના લગભગ 12 કિલોમીટર વિસ્તારને સીલ કરી દીધો છે અને ટ્રાફિકને 1 મે સુધી માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. યુદ્ધાભ્યાસ બે તબક્કામાં ચાલી રહ્યો છે અને રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. એરસ્ટ્રીપ પર અભ્યાસનું શેડ્યૂલ કડક રાખવામાં આવ્યું છે. બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વિમાનોના કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે, જ્યારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પણ અભ્યાસ ચાલુ રહેશે. સુખોઈ-30 અને મિરાજ જેવા વિમાનો ‘ટચ એન્ડ ગો’ ડ્રિલ દ્વારા પોતાની યુદ્ધ ક્ષમતાનો પ્રદર્શન કરી રહ્યા છે.

આ હાઈવે એરસ્ટ્રીપ યુદ્ધ દરમિયાન સેનાને બેકઅપ રનવે તરીકે મહત્વપૂર્ણ

તે ઉપરાંત MI-17 V5 હેલિકોપ્ટર દ્વારા સ્પેશિયલ ફોર્સને સ્લિધરિંગ ટેક્નિકથી ઉતારવાનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. 320 મીમી જાડાઈ ધરાવતી આ વિશેષ એરસ્ટ્રીપ ભારે લડાકુ વિમાનોનું વજન સહન કરી શકે તેવી રીતે બનાવવામાં આવી છે. આ હાઈવે એરસ્ટ્રીપ યુદ્ધ દરમિયાન સેનાને બેકઅપ રનવે તરીકે મહત્વપૂર્ણ સાબિત થાય છે. જો મુખ્ય એરબેસ પર હુમલો થાય તો વાયુસેના આવી હાઈવે સ્ટ્રીપ પરથી ઓપરેશન ચાલુ રાખી શકે છે. મંગળવારે પણ અહીં નવ વિમાનો દ્વારા લગભગ એક કલાક સુધી પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાને એરસ્ટ્રીપનું ઉદ્ઘાટન કર્યું હતું

આ એર શો દ્વારા સેનાની તૈયારીઓ વધુ મજબૂત બની રહી છે તેમજ સુલતાનપુર અને આસપાસના વિસ્તારોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી રહી છે. વિમાનોની ગર્જનાથી સ્થાનિક લોકો ઘરની છત પર ભેગા થઈ આ નજારો નિહાળી રહ્યા છે. પૂર્વાંચલ એક્સપ્રેસવેની આ એરસ્ટ્રીપનું ઐતિહાસિક મહત્વ પણ છે. 16 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ C-130J હર્ક્યુલિસ વિમાનથી અહીં ઉતરી તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે પણ સુખોઈ અને જગુઆર વિમાનો દ્વારા આકાશમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જૂન 2023માં અહીં 4 કલાક સુધી લાંબો અભ્યાસ યોજાયો હતો.

આ પણ વાંચો : Jharkhand Bomb Defusal: સેનાએ બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ કર્યો ડિફ્યુઝ, લોકોએ લીધો રાહતનો શ્વાસ