calendar_todayFebruary 11, 2026
Railway News : ગાંધીધામથી આદિપુર વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન, મહાવીર ચક્ર કેપ્ટન કપિલ સિંહ થાપા એન્જિન સાથે
આ રેલખંડનું 9 અને 10 ફેબ્રુઆરી 2026ના રોજ રેલ સુરક્ષા આયુક્ત (CRS) પશ્ચિમ સર્કલ ઈ. નિવાસ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 10 ફેબ્રુઆરીએ ગાંધીધામથી આદિપુર વચ્ચે ટ્રેનનું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ગાંધીધામ–આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ અને આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટીનું કાર્ય પૂર્ણ થવાથી હાલમાં જ્યાં આ વિસ્તારમાંથી 50થી 60 માલગાડીઓનું સંચાલન આ ક્ષેત્રથી થઇ રહ્યું છે જે વધીને 150 સુધી થઈ જશે અને ટ્રેનો 120 કિમી પ્રતિ કલાકની (મહત્તમ) ઝડપે ચલાવી શકાશે.
ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની શક્યતા છે
ગાંધીધામ–આદિપુર બ્રોડગેજ રેલખંડ કાંડલા તથા મુન્દ્રા બંદરગાહો સહિત ભુજ, વાયોંર અને અન્ય વિસ્તારોને દેશના વિવિધ ભાગો સાથે જોડતો એક અત્યંત મહત્વનો માલ પરિવહન માર્ગ છે. હાલમાં આ ખંડ ખૂબ જ વ્યસ્ત રહેતા સંચાલન પર દબાણ રહે છે, જેને ઘટાડવા માટે બે વધારાની લાઈનોની જરૂર હતી. આ માર્ગ પરથી મીઠું તથા અન્ય માલનું પણ મોટા પાયે પરિવહન થાય છે અને મુન્દ્રા બંદરગાહની વધતી ક્ષમતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની શક્યતા છે.
આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપશે
આ પ્રોજેક્ટથી કાંડલા અને મુન્દ્રા બંદરગાહો સાથે જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, અનાજ અને અન્ય માલના પરિવહનમાં ઝડપ આવશે. માલગાડીઓનું ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનો વધુ સાર્થક ઉપયોગ શક્ય બનશે અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો આવશે, જેના પરિણામે ઉદ્યોગો અને વેપારને સીધો લાભ મળશે. સાથે જ આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં, વેપાર, પર્યટન અને રોજગારીના અવસરો વધારવામાં અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માં મદદરૂપ સાબિત થશે.
કચ્છ ક્ષેત્રમાં સામાજિક–આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે
ગોપાલપુર નવા સ્ટેશનના નિર્માણથી અમદાવાદની તરફથી આવતી ગાડીઓને ભુજ જવા માટે ગાંધીધામમાં એન્જિન રિવર્સલ કરવાની જરૂર નહીં રહે, જેના કારણે લગભગ 20-25 મિનિટનો સમય બચત થશે. આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાને કારણે ટ્રેનોને દિશા બદલવાની જરૂર પડશે નહીં, જેના કારણે સમય અને ઇંધણ બંનેની બચત થશે અને સંચાલન સરળ બનશે. ગાંધીધામ–આદિપુર ચૌહરીકરણ અને ‘વાય’ કનેક્ટિવિટી પ્રોજેક્ટ ક્ષેત્રીય વિકાસ અને મજબૂત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફની એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે કચ્છ ક્ષેત્રમાં સામાજિક–આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન