android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajasthan : બાલોતરાની પચપદરા રિફાઈનરીમાં લાગી આગ, વડાપ્રધાન મોદી 21 એપ્રિલે કરવાના છે ઉદ્ઘાટન

calendar_todayApril 20, 2026

Rajasthan : બાલોતરાની પચપદરા રિફાઈનરીમાં લાગી આગ, વડાપ્રધાન મોદી 21 એપ્રિલે કરવાના છે ઉદ્ઘાટન

રાજસ્થાનમાં પચપદરા રિફાઈનરી ખાતે સોમવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આ રિફાઈનરીનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થવાનું છે. ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં બનેલી આ ઘટનાએ તંત્રમાં ચિંતા ફેલાવી છે.


આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી

મળતી માહિતી મુજબ રિફાઈનરીના એક યુનિટમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધૂમાડાના ગોટાળા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે.

79,450 કરોડથી વધુનું રોકાણ

આ રિફાઈનરી ભારતની પ્રથમ નવી એકીકૃત રિફાઈનરી-સહ-પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવી છે. અંદાજે ₹79,450 કરોડથી વધુના રોકાણ સાથે તૈયાર થયેલી આ મહત્ત્વાકાંક્ષી યોજના દેશના ઊર્જા ક્ષેત્ર માટે માઇલસ્ટોન સાબિત થવાની આશા છે. 90 લાખ ટન વાર્ષિક ક્ષમતા ધરાવતી આ પ્રોજેક્ટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને રાજસ્થાન સરકારના સંયુક્ત સાહસ તરીકે વિકસાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટ દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે, કારણ કે તે આયાત પરની નિર્ભરતા ઘટાડીને ઘરેલુ ઉત્પાદન વધારશે. આ રિફાઈનરીની પાયાની વિધિ 22 સપ્ટેમ્બર 2013ના રોજ સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ 2018માં આ પ્રોજેક્ટને નવી ગતિ આપી હતી. હાલ આગની ઘટના બાદ સુરક્ષા અને તકનિકી તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આવતીકાલે યોજાનાર ઉદ્ઘાટન કાર્યક્રમ યથાવત રહેશે કે નહીં તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Bihar: બિહાર છોડીને નહી જાઉ, સરકાર પર નજર રાખીશ, નીતિશ કુમારની જાહેરાત, જાણો શું છે પ્લાન ?