android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ

calendar_todaySeptember 9, 2026

Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે હાથ ધરાતા વિકાસકામોમાં લોલમલોલ અને બેદરકારી દાખવનારા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ લાલ આંખ કરી છે. શહેરના નવા રિંગરોડ પર કટારીયા ચોકડી નજીક અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા ત્રણ નાના બ્રિજના કામમાં ગંભીર ગેરરીતિ અને એલાઇનમેન્ટની ખામીઓ સામે આવતાં કમિશનરે સપાટો બોલાવ્યો છે.

રાજકોટમાં 40 કરોડના બ્રિજના કામમાં ક્ષતિઓ ખુલ્લી

મનપા કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પ્રજાના નાણાંથી બનતા બ્રિજના કામમાં કોઈ પણ પ્રકારની નાની બેદરકારી કે ક્ષતિ ચલાવી લેવામાં આવશે નહીં. તંત્ર દ્વારા બ્રિજના નિર્માણકાર્યમાં ક્ષતિઓ જણાતાં તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.આ મામલે ત્વરિત કાર્યવાહી કરતાં કમિશનર તુષાર સુમેરાએ નાયબ ઈજનેર વિજય કારીયા અને આસિસ્ટન્ટ ઈજનેર વિશાલ વાગડીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપરવિઝનમાં બેદરકારી બદલ ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને કારણદર્શક (શોકોઝ) નોટિસ ફટકારવામાં આવી છે, જેનાથી મનપા બેડામાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.

વિજિલન્સ વિભાગ દ્વારા થશે ખાતાકીય તપાસ

બ્રિજનું નિર્માણકાર્ય ‘બેકબોન કન્સ્ટ્રક્શન’ નામના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. હવે સસ્પેન્ડ કરાયેલા ઇજનેરો સામે વિજિલન્સ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે, જ્યારે કામમાં લોલમલોલ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે પણ કડક કાયદાકીય અને દંડકીય કાર્યવાહી કરવાની દિશામાં મનપા તંત્ર આગળ વધી રહ્યું છે. બ્રિજ નિર્માણમાં ક્ષતિ અને ખામીઓ મામલે મનપા કમિશનર તુષાર સુમેરાની કડક કાર્યવાહી.2 ઇજનેર સસ્પેન્ડ, ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેરને શોકોઝ નોટિસ. કોન્ટ્રાક્ટર બેકબોન કન્સ્ટ્રક્શન અને સસ્પેન્ડેડ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ.

આ પણ વાંચો: Patan: બગવાડા દરવાજા પાસે 10 ફૂટ ઊંડા ભુવામાં એસટી બસ ફસાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા