calendar_todayJanuary 23, 2026
Rajkotના મુસાફરો નોંધ લેજો: 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં હવાઈ પરેડને કારણે ફ્લાઈટના સમયમાં ફેરફાર
આગામી 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દિલ્હીમાં યોજાનારી ભવ્ય પરેડ અને વાયુસેનાના કરતબોને કારણે હવાઈ ટ્રાફિક પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેની સીધી અસર રાજકોટના હીરાસર (રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ) થી દિલ્હી જતી ફ્લાઈટ્સ પર પડી છે. 26મી જાન્યુઆરીના રોજ રાજકોટ-દિલ્હી ફ્લાઈટ તેના નિયત સમય કરતાં એક કલાક મોડી ઉડાન ભરશે.
હીરાસર એરપોર્ટથી 11.10 વાગ્યે ઉપડશે ફ્લાઇટ
26મી જાન્યુઆરીએ દિલ્હીના આકાશમાં સવારે 10:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી ભારતીય વાયુસેના દ્વારા ભવ્ય 'ફ્લાય પાસ્ટ' એટલે કે હવાઈ પરેડ યોજવામાં આવશે. સુરક્ષા અને પ્રોટોકોલના કારણોસર આ સમયગાળા દરમિયાન દિલ્હી એરપોર્ટ પર અન્ય પેસેન્જર ફ્લાઈટ્સના ઉતરાણ અને ઉડાન પર પ્રતિબંધ રહેશે. આ ફેરફારને કારણે હીરાસર એરપોર્ટથી દિલ્હી માટે જે ફ્લાઈટ સામાન્ય રીતે સવારે 10:10 વાગ્યે ઉપડે છે, તે 11:10 વાગ્યે ઉડાન ભરશે.
26મીએ દિલ્હીમાં 12.00 વાગ્યા સુધી હવાઇ પરેડ
એરપોર્ટ સત્તાધીશો દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બદલાયેલા સમયની નોંધ લે અને એરલાઇન્સ તરફથી મળતા મેસેજ કે નોટિફિકેશન ચેક કરીને જ એરપોર્ટ પર પહોંચે. હવાઈ પરેડ દરમિયાન દિલ્હીનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવતું હોવાથી દર વર્ષે પ્રજાસત્તાક પર્વ પર ફ્લાઈટ્સના શેડ્યૂલમાં આવા ફેરફારો કરવામાં આવતા હોય છે. મુસાફરોને પડનારી હાલાકી બદલ એરલાઇન્સ દ્વારા પણ આગોતરી જાણકારી આપવામાં આવી રહી છે.