android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot : ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિત 5 જુગાર રમતા ઝડપાયા: વંશરાજ એન્ટરપ્રાઇઝમાં પોલીસના દરોડા

calendar_todayAugust 4, 2026

Rajkot : ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિત 5 જુગાર રમતા ઝડપાયા: વંશરાજ એન્ટરપ્રાઇઝમાં પોલીસના દરોડા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. શહેરના લાખના બંગલા નજીક આવેલી વંશરાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ચાલતા જુગારધામ પર પોલીસે અચાનક દરોડો પાડીને મોટા પાયે કાર્યવાહી કરી છે.

ભાજપના મહિલા કોર્પોરેટર સેજલબેન ચૌધરીના પતિ અમિતરાજ ચૌધરી ઝડપાયા

ગાંધીગ્રામ પોલીસની ટીમને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે લાખના બંગલા પાસેની એક ઓફિસમાં કેટલાક લોકો એકઠા થઈને ગેરકાયદેસર રીતે પાના પ્રેમીઓ જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે કોઈ પણ આગોતરી જાણ વગર ત્વરિત દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી વોર્ડ નંબર 1 ના ભાજપના મહિલા કોર્પોરેટર સેજલબેન ચૌધરીના પતિ અમિતરાજ ચૌધરી સહિત કુલ પાંચ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.


  


ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ 

પોલીસના આ અચાનક દરોડાથી ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થળ પરથી જુગારના સાહિત્ય, રોકડ રકમ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરીને તમામ પાંચેય આરોપીઓની અટકાયત કરી છે. શાસક પક્ષના મહિલા કોર્પોરેટરના પતિ જ આ રીતે જુગાર રમતા પકડાતા સમગ્ર રાજકોટ શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. 

પોલીસે તપાસ શરુ કરી 

આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓ સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારધામ ક્યારથી ચાલી રહ્યું હતું, ઓફિસની માલિકી કોની છે અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ અગ્રણીઓ કે મોટા નામો સંકળાયેલા છે કે કેમ તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો   :  Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ