calendar_todayMay 8, 2026
Rajkot બર્ગર કિંગમાંથી ઝડપાયું 72 લીટર એક્સપાયરી ડેટવાળું દૂધ, આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ
રંગીલા રાજકોટમાં જો તમે પણ બહાર શેક કે કોલ્ડ ડ્રિંક્સ પીવાના શોખીન હોવ તો ચેતી જજો. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી ફૂડ ચેઈન 'બર્ગર કિંગ' (Burger King) માંથી આરોગ્ય વિભાગ દ્વારા એક્સપાયરી ડેટવાળું દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે. જેથી ખાણીપીણી એકમોમાં ખળભળાટ મચી ગયો છે.
72 લીટર દૂધનો સ્થળ પર નાશ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બર્ગર કિંગમાંથી 72 લીટર જેટલું એક્સપાયરી ડેટવાળું દૂધ મળી આવ્યું હતું. આ દૂધનો ઉપયોગ ગ્રાહકોને પીરસવામાં આવતા શેક અને અન્ય પીણાંમાં થવાનો હતો. જોકે, અધિકારીઓએ સમયસૂચકતા વાપરી આ જથ્થો પકડી પાડ્યો હતો અને સ્થળ પર જ તેનો નાશ કરાવ્યો હતો.
10 હજારનો દંડ અને કડક કાર્યવાહી
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ આરોગ્ય વિભાગે બર્ગર કિંગને રૂપિયા 10,000નો વહીવટી દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, માત્ર બર્ગર કિંગ જ નહીં, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેરના અન્ય 21 જેટલા ધંધાર્થીઓને ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી ખાણી-પીણીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કોઈ પણ વેપારી વાસી કે આરોગ્ય માટે જોખમી ખોરાક વેચતા પકડાશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો - Rajkot News: દરજી સોસાયટીમાં યુવાને પંખે લટકી જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોકનો માહોલ