android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: ડિજિટલ એરેસ્ટ કરી નિવૃત ક્લાર્ક પાસેથી 88.50 લાખ પડાવનાર ઠગ કેતન જોશી MPથી ઝડપાયો

calendar_todayFebruary 8, 2026

Rajkot: ડિજિટલ એરેસ્ટ કરી નિવૃત ક્લાર્ક પાસેથી 88.50 લાખ પડાવનાર ઠગ કેતન જોશી MPથી ઝડપાયો

રાજકોટમાં કોર્ટના નિવૃત ક્લાર્કને ડરાવી-ધમકાવીને લાખો રૂપિયા પડાવનાર સાયબર માફિયાઓની ગેંગના એક સક્રિય સભ્યને સાયબર ક્રાઈમ પોલીસે મધ્યપ્રદેશથી દબોચી લીધો છે. ઠગ ટોળકીએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના નામે નિવૃત કર્મચારીને 'ડિજિટલ એરેસ્ટ' કરી તેમની આજીવનની મૂડી લૂંટી લીધી હતી.

24 ઓગસ્ટની એ ઘટના અને ધમકીનો ખેલ

ગયા વર્ષે 24 ઓગસ્ટ 2025ના રોજ ફરિયાદી નિવૃત ક્લાર્ક પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. ઠગબાજોએ ફરિયાદીને એવું કહીને ડરાવ્યા હતા કે તમારું નામ મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં આવ્યું છે.તમારા વિરુદ્ધ ધરપકડ વોરંટ નીકળ્યું છે.તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમારે વીડિયો કોલ પર 'ડિજિટલ એરેસ્ટ' રહેવું પડશે.આ ડર બતાવીને આરોપીઓએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹88,50,000 (88.50 લાખ) પડાવી લીધા હતા.

આરોપી કેતન જોશીની ભૂમિકા

રાજકોટ સાયબર ક્રાઈમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ લિંક મધ્યપ્રદેશ સુધી પહોંચી હતી. પોલીસે કેતન વિરેન્દ્ર જોશી નામના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે કેતન આ ગેંગ માટે 'બેંક એકાઉન્ટ એરેન્જર' તરીકે કામ કરતો હતો.ઠગાઈના પૈસા ટ્રાન્સફર કરવા માટે તે અલગ-અલગ લોકોના બેંક ખાતાઓ શોધી આપતો હતો. ડિજિટલ અરેસ્ટના નાણાં કયા ખાતામાં લેવા અને તેને કેવી રીતે સગેવગે કરવા તેમાં તેની મુખ્ય ભૂમિકા હતી.

બે દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે દેશો સાથે જોડાયેલા છે અને કેતને અત્યાર સુધી આવા કેટલા ખાતાઓ મેળવી આપ્યા છે.

આ પણ વાંચો: Surat: અમરોલીમાં કિરણ હોસ્પિટલના કર્મચારીનો શંકાસ્પદ આપઘાત, પીએમ રિપોર્ટે વધાર્યું રહસ્ય