android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: માર્કેટિંગ યાર્ડમાં જણસીની મબલખ આવક, એક જ દિવસમાં 1.20 લાખ મણ ઘઉં ઠાલવાયા

calendar_todayMarch 13, 2026

Rajkot News: માર્કેટિંગ યાર્ડમાં જણસીની મબલખ આવક, એક જ દિવસમાં 1.20 લાખ મણ ઘઉં ઠાલવાયા

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ રવિ પાકની આવક પરાકાષ્ઠાએ પહોંચી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) રાજકોટ ખાતે આજે ઘઉંની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી જણસીની આવકને પગલે લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર યાર્ડ પરિસર જણસીના ઢગલાઓથી ઉભરાઈ ગયું હતું.

ઘઉં અને ચણાની ધૂમ આવક

યાર્ડના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે એક જ દિવસમાં 1.20 લાખ મણ ઘઉંની મબલખ આવક નોંધાઈ છે. ઘઉંની સાથે સાથે અન્ય પાકોની પણ મોટા પાયે આવક જોવા મળી હતી, જેમાં 31 હજાર મણ ચણા અને 9700 મણ મેથીની આવકનો સમાવેશ થાય છે. નવા માલની આવકને કારણે હરાજીના કામકાજમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે.

1200 વાહનોની લાંબી લાઈનો

યાર્ડના ગેટ ખુલતાની સાથે જ આશરે 1200 થી વધુ વાહનો નવી જણસી ભરીને પહોંચ્યા હતા. ખેડૂતો વહેલી સવારથી જ પોતાના ટ્રેક્ટર અને છોટા હાથી જેવા વાહનોમાં માલ ભરીને યાર્ડમાં ઉતારવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. આવક એટલી મોટી માત્રામાં થઈ છે કે, યાર્ડ તંત્ર દ્વારા ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ આયોજન કરવું પડ્યું છે.

ખેડૂતોમાં આનંદ

ચાલુ વર્ષે અનુકૂળ વાતાવરણને કારણે ઘઉં અને ચણાનું ઉત્પાદન સારું થયું છે, જેની સીધી અસર અત્યારે યાર્ડમાં જોવા મળી રહી છે. વેપારીઓના મતે, હજુ આગામી દિવસોમાં આવક સતત વધતી રહેશે. સારી ગુણવત્તાના માલને કારણે ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળી રહેવાની આશા જાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો