android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, નંબર પ્લેટ વગરના 1 JCB અને 2 ટ્રેક્ટર કબજે લેવાયા

calendar_todayJanuary 8, 2026

Rajkot News : ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, નંબર પ્લેટ વગરના 1 JCB અને 2 ટ્રેક્ટર કબજે લેવાયા

રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટા ઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ખાણ ખનિદ વિભાગની ટીમે ઓચિંતા દરોડા પાડીને રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, આ કાર્યવાહી બાદ સ્થાનિક સરપંચ પ્રતિનિધિએ પોતાની સ્પષ્ટતા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે.

ખાનગી માલિકની જમીન હતી અને તેના પર ખનન ચાલતું હતુ

રોયલ્ટી ઇન્સપેક્ટર કિશનભાઈ રાણાવા અને જૈમિનભાઈ બી. પટેલની આગેવાની હેઠળની ટીમે મોટા ઉમવાળા ગામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એક JCB મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત રૂ. 32 લાખ આંકવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે, પકડાયેલા તમામ વાહનો પર નંબર પ્લેટ ગાયબ હતી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ આંગળી ચીંધે છે. આ ખનન પ્રવૃત્તિ કોઈની ખાનગી માલિકીની જમીન પર ચાલી રહી હતી. વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દંડ ભરવામાં નહીં આવે, તો પોલીસ ફરિયાદ નોંધીને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગામના સરપંચે કહ્યું, મને ફસાવવાનો કારસો છે

જપ્ત કરાયેલા વાહનો જેના છે તે સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ ડાભીએ આ મામલે મૌન તોડ્યું છે. તેમણે ખનીજ માફિયાઓ સામે મોરચો માંડતા જણાવ્યું કે ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતું હતું. તેમાંથી નીકળેલી માટીનો ઉપયોગ ગામમાં બની રહેલા બગીચાના પુરાણ માટે કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો પણ સહયોગ છે. ભૂપતભાઈના મતે, તેમણે અગાઉ ગામમાં ચાલતી ખનીજ ચોરી બંધ કરાવી હોવાથી ખનીજ માફિયાઓ તેમનાથી નારાજ છે અને તેમને બદનામ કરવા ખોટા પેંતરા રચી રહ્યા છે. મેં આખા તાલુકામાં મોટા ઉમવાડાથી થતી ખનીજ ચોરી બંધ કરાવી છે, એટલે માફિયાઓના પેટમાં તેલ રેડાયું છે. આ બધું કામ પંચાયતના ઠરાવ મુજબ જ થઈ રહ્યું છે." - ભૂપતભાઈ ડાભી (સરપંચ પ્રતિનિધિ)

સ્થાનિક તંત્રની ભૂમિકા પર સવાલો

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તંત્રની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. ગત 10 ડિસેમ્બરે પણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. નંબર પ્લેટ વગરના વાહનો બિન્દાસ્ત ફરી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો ખાણ-ખનીજ વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શું આ ખરેખર વિકાસના કામ માટેનું ખોદકામ હતું કે પછી વિકાસના નામે ખનીજ ચોરી? તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.