calendar_todayJuly 14, 2026
Rajkot News: ઘરમાં જુગારધામ પકડાયા બાદ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા સસ્પેન્ડ, 14 લોકો સામે ગુનો દાખલ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ડિવિઝનના ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના પોતાના જ મકાનમાં ધમધમતી જુગાર ક્લબ પર રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સ્પેશિયલ ટીમે મોટો દરોડો પાડ્યો છે.આ હાઈપ્રોફાઈલ દરોડાને પગલે સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓ પાસેથી 1 લાખથી વધુની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા અને તેમના પત્ની સહિત કુલ 14 વ્યક્તિઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભગીરથસિંહ વાઘેલાને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ
પોલીસ વિભાગના જ કર્મચારીની આવી ગંભીર ગુનાહિત સંડોવણી સામે આવતા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા ત્વરિત અને કડક પગલાં લેવામાં આવ્યા છે. એસપીએ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા 6 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવ્યા છે.હાલ આ મામલે ગોંડલ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓને બોલાવી જુગાર રમાડતો હતો
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવીને જુગાર રમાડતો હતો અને નાલ ઉઘરાવતો હતો.રેન્જ IGની ટીમે દરોડા દરમિયાન જુગારના પટમાંથી અને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 135900ની રોકડ રકમ કબ્જે કરી છે.દરોડાની કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર પોલીસ કોન્સ્ટેબલ હાજર મળી આવ્યો ન હતો.પોલીસે હાલ મકાન માલિક કોન્સ્ટેબલ સહિત કુલ 14 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા