calendar_todayMarch 6, 2026
Rajkot News: નવી કોર્ટ બિલ્ડિંગમાં આગ, 5મા માળે ACમાં શોર્ટ સર્કિટથી મચી દોડધામ
રાજકોટ શહેરના જામનગર રોડ પર સ્થિત નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં આજે આગની ઘટના બનતા વકીલો અને અસીલોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડિંગના પાંચમા માળે આવેલા એક કોર્ટ રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે, સમયસૂચકતા વાપરીને કોર્ટ રૂમ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે.
કોર્ટ રૂમમાં ACમાં શોર્ટ સર્કિટ
ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંચમા માળે આવેલા કોર્ટ રૂમમાં ચાલુ કામગીરી દરમિયાન એર કન્ડિશનરમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. શોર્ટ સર્કિટને કારણે એસીમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. આગ લાગતા જ કોર્ટમાં હાજર તમામ સ્ટાફ અને પક્ષકારોને તાત્કાલિક બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી
આગ લાગતા જ બિલ્ડિંગમાં હાજર સ્ટાફે ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાના પ્રાથમિક પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
કોઈ દસ્તાવેજો કે જાનહાનિને નુકસાન નહીં
પ્રાથમિક અંદાજ મુજબ આગમાં એસી અને નજીકના વાયરિંગને નુકસાન પહોંચ્યું છે, પરંતુ કોઈ દસ્તાવેજો કે જાનહાનિને નુકસાન થયું નથી. નવી જ બનેલી કોર્ટ બિલ્ડિંગમાં આ પ્રકારે શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિકલ ફિટિંગની ગુણવત્તા સામે પણ ચર્ચાઓ જાગી છે.
આ પણ વાંચો - Rajkot News: સેલ્ફી લેવાના મોહમાં મોટી દુર્ઘટના ટળી, ટ્રેક પર મૂકેલા બાઇક ટ્રેનની અડફેટે આવ્યું