calendar_todayMay 6, 2026
Rajkot News: TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં મનસુખ સાગઠિયા વિરુદ્ધ EDની કાર્યવાહી
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ચકચારભર્યા કેસમાં મહત્ત્વના આરોપી એવા રાજકોટ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અને તેમના પત્ની ભાવનાબેન સાગઠિયા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)દ્વારા કાયદેસર આવક કરતાં રૂ.24.31 કરોડથી વધુની સંપત્તિ એકઠી કરવાના મામલામાં અત્રેની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં પૂરક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાગઠિયા હાલ જામીન પર મુક્ત છે.
22.71 લાખની મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત
ઈડીની પૂરક ફરિયાદના આધારે કોર્ટે વધુ સુનાવણી તા.24મી મેના રોજ મુકરર કરી છે.વધુમાં ઈડીએ આ પ્રકરણમાં આરોપીઓની ગોંડલ અને રાજકોટના માધાપરમાં આવેલી રૂ.22.71 લાખની મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે.અગાઉ ઈડી દ્વારા આરોપી ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા વિરુદ્ધ નવેમ્બર 2025માં ફરિયાદ દાખલ કરાઈ હતી અને તપાસ દરમિયાન મળી આવેલા કેટલાક વધુ અને નક્કર પુરાવાઓના આધાર પર આ વધારાની પૂરક ફરિયાદ દાખલ કરાઈ છે.
ઈડીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો
ઈડીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે,રાજકોટ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અને તેની પત્ની ભાવનાબેન અને બાળકોના બેંક ખાતાઓમાં કુલ રૂ.5.57 કરોડ જમા થયા હતા.જેમાં રૂ.82.87 લાખની શંકાસ્પદ રોકડ હતી.આ સિવાય રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં પરિવારના સભ્યોના નામે 15 જેટલી રિકરિંગ ડિપોઝિટ મળી આવી હતી. જેમાં 2015થી 2022 દરમિયાન નિયમિત રીતે રોકડ રકમ જમા કરવામાં આવતી હતી. મનસુખ સાગઠિયા વિરુદ્ધ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ગેરકાયદેસરતાને છાવરવાનો ગંભીર આરોપ હતો અને તેની મુખ્ય બેજવાબદારી અને ભૂમિકા સામે આવી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: પાંચ ફુટના અંતરે તાપમાનમાં તફાવત : શહેરના રસ્તાઓ 51 ડિગ્રીએ તપે છે ત્યારે વૃક્ષોની નીચે 15 ડિગ્રીની રાહત