android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot : લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગોંડલથી જામકંડોરણા અને ધોરાજી સુધી ધોધમાર વરસાદ, Video

calendar_todaySeptember 14, 2026

Rajkot : લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગોંડલથી જામકંડોરણા અને ધોરાજી સુધી ધોધમાર વરસાદ, Video

લાંબા સમયના વિરામ બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગોંડલ, સિહોર, જામકંડોરણા અને ધોરાજી પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોર પછી ધોધમાર વરસ્યો હતો.

ગોંડલમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં

ગોંડલ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં ધીમીધારે વરસેલા વરસાદ બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી હતી.

ખેડૂતોના ઉભા પાકને પણ નવજીવન મળ્યું

લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં ખેડૂતોના ઉભા પાકને પણ નવજીવન મળ્યું છે. વરસાદથી જગતના તાતમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી છે. 

 


સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ

સિહોરના ગ્રામ્ય પંથકમાં પણ છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. આજે વરલ, થાળા, બેકડી સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મેઘમહેરથી ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે.

જામકંડોરણામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને વરસતાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત વરસાદથી પાકને નવું જીવનદાન મળવાની આશાએ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે.

ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદ

ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ક્યાંક સામાન્ય તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી હતી અને લોકો છત્રી સાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા.

મેઘમહેરથી ખેડૂતોને મોટી રાહત મળી 

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસેલી આ મેઘમહેરથી ખેડૂતોને મોટી રાહત મળી છે. જો વરસાદનો આ સિલસિલો યથાવત રહેશે તો ઉભા પાકને વધુ ફાયદો થવાની શક્યતા છે. 


આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’