android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot Water Crisis: ભર ચોમાસે તરસ્યું રહેશે રાજકોટ? ડેમોમાં માત્ર 1 મહિનાનું પાણી બચ્યું

calendar_todaySeptember 12, 2026

Rajkot Water Crisis: ભર ચોમાસે તરસ્યું રહેશે રાજકોટ? ડેમોમાં માત્ર 1 મહિનાનું પાણી બચ્યું

ચાલુ વર્ષે ચોમાસાના નબળા વરસાદ અને વરસાદની લાંબી ખેંચના કારણે રાજકોટ શહેર પર પીવાના પાણીનું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી પૂરતો વરસાદ ન થવાને કારણે જળાશયોમાં પાણીની આવક નહિવત રહી છે. હાલની સ્થિતિએ શહેરની તરસ છિપાવતા મુખ્ય ડેમોમાં માત્ર 1 મહિનો ચાલે તેટલો જ પીવાના પાણીનો જથ્થો શિલક બચ્યો છે, જેને પગલે આવનારા દિવસોમાં પાણી કાપ કે મોટી કટોકટી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

દૈનિક 47 કરોડ લિટર પાણીની જંગી માગ

રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ખૂણે-ખૂણા સુધી પાણી પહોંચાડવા માટે રોજનું 47 કરોડ લીટર પીવાનું પાણી વિતરીત કરવામાં આવે છે. વરસાદ ન થવાના કારણે સ્થાનિક સ્રોતો તળિયાઝાટક થઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં નવા પાણીની આવક નહીં થાય તો દૈનિક 47 કરોડ લીટર પાણીનો પુરવઠો જાળવી રાખવો સ્થાનિક તંત્ર માટે ભારે પડકારજનક બની રહેશે.

સૌની યોજના દ્વારા નર્મદા નીર ઠાલવવા રજૂઆત

રાજકોટ શહેરને જળ સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાકીદની રજૂઆત કરવામાં આવી છે. મેયર ડો. નેહલ શુકલ દ્વારા પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને સૌની (SAUNI) યોજનાના માધ્યમથી રાજકોટના મુખ્ય ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગ કરવામાં આવી છે, જેથી શહેરીજનોને પીવાના પાણીની કોઈ હાલાકી ભોગવવી ન પડે.

આગામી ચોમાસા સુધી 4000 MCFT પાણીની માંગણી

સ્થાનિક ડેમોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોક્કસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી ચોમાસા સુધી શહેરમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા અવિરતપણે જાળવી શકાય તે માટે સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ કુલ 4000 MCFT પાણીના જથ્થાની ફાળવણી કરવાની સ્પષ્ટ માંગણી મૂકવામાં આવી છે.


આ પણ વાંચો: Rajkot ત્રિપલ સુસાઈડ કેસમાં મોટો વળાંક, વ્યાજખોર સંદીપ લખતરીયા સામે અંતે ગુનો દાખલ