android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Republic Day 2026 : આઝાદી બાદ છત્તીસગઢના 41 ગામો પ્રથમ વખત ઉજવશે પ્રજાસત્તાક દિવસ

calendar_todayJanuary 26, 2026

Republic Day 2026 : આઝાદી બાદ છત્તીસગઢના 41 ગામો પ્રથમ વખત ઉજવશે પ્રજાસત્તાક દિવસ

જ્યાં ક્યારેક તિરંગો ફરકાવવો પણ જોખમી માનવામાં આવતો હતો, ત્યાં હવે રાષ્ટ્રીય પર્વની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ બદલાવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ શાંતિ, વિશ્વાસ અને વિકાસની નવી શરૂઆતનું પ્રતિક છે.

માઓવાદના પ્રભાવથી મુક્ત થયેલા 41 ગામોમાં આ વર્ષે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે તિરંગો ફરકાવવામાં આવશે

છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં માઓવાદના પ્રભાવથી મુક્ત થયેલા 41 ગામોમાં આ વર્ષે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે તિરંગો ફરકાવવામાં આવશે. આઝાદી બાદ આ પહેલો પ્રસંગ હશે. આ પગલું ‘રેડ ટેરર’ના અંત અને શાંતિ તથા વિકાસની નવી શરૂઆતનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. આ 41 ગામોમાંથી 13 ગામો બીજાપુર જિલ્લામાં, 18 નારાયણપુર જિલ્લામાં અને 10 સુકમા જિલ્લામાં આવેલાં છે. બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પી.એ ન્યૂઝ એજન્સીને આ માહિતી આપી હતી.

સુરક્ષાબળોની સતત કાર્યવાહી, વિકાસ યોજનાઓ અને સ્થાનિક લોકોના સહકારથી પરિસ્થિતિમાં મોટો ફેરફાર

આ તમામ ગામો ઘણા સમય સુધી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવતા હતા. સુરક્ષા કારણો અને ભયના માહોલને કારણે અહીં રાષ્ટ્રીય પર્વોનું આયોજન શક્ય બનતું નહોતું. ઘણા ગામોમાં તો પ્રશાસનની પહોંચ પણ સીમિત હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષાબળોની સતત કાર્યવાહી, વિકાસ યોજનાઓ અને સ્થાનિક લોકોના સહકારથી પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે.

સરકાર અને સુરક્ષાબળોની પહેલથી આ વિસ્તારોમાં રસ્તા, વીજળી, મોબાઇલ નેટવર્ક, શાળાઓ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે. જેના કારણે ગ્રામજનોનો વિશ્વાસ વધ્યો અને તેઓ મુખ્ય પ્રવાહ સાથે જોડાવા લાગ્યા. આ વિશ્વાસનું પરિણામ એ છે કે હવે ગામોમાં ખુલ્લેઆમ તિરંગો ફરકાશે, રાષ્ટ્રગાન ગુંજશે અને બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ 41 ગામોમાં પ્રજાસત્તાક દિવસને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો પોતે જ ધ્વજારોહણની તૈયારી કરી રહ્યા છે, ઘરો અને જાહેર સ્થળોને સજાવવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ પ્રથમ વખત સરકારી પ્રતિનિધિઓ અને સુરક્ષાકર્મીઓ પણ ગ્રામજનો સાથે મળી કાર્યક્રમમાં જોડાશે.

આ આયોજન માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પરંતુ તે સંદેશ આપે છે કે લોકશાહીની જડ હવે તે વિસ્તારો સુધી પણ મજબૂત બની રહી છે, જ્યાં ક્યારેક ભય અને હિંસાનો પડછાયો હતો. છત્તીસગઢના આ ગામો હવે માત્ર પ્રજાસત્તાક દિવસ જ નથી ઉજવી રહ્યા, પરંતુ એક નવા, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે.

દાયકાઓ બાદ રાષ્ટ્રીય ઉત્સવમાં ભાગીદારી

આઈજી સુંદરરાજે જણાવ્યું કે 76મો પ્રજાસત્તાક દિવસ બસ્તર સંભાગના આ ગામોમાં પ્રથમ વખત સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવાશે. આ ગામો દાયકાઓ સુધી રાષ્ટ્રીય કાર્યક્રમોથી અલગ પડેલા રહ્યા હતા, પરંતુ હવે તેઓ લોકશાહી અને બંધારણીય ભાવનાથી ફરી જોડાઈ રહ્યા છે.

સુરક્ષા કેમ્પ બન્યા બદલાવનું કારણ

તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ વિસ્તારોમાં સુરક્ષા કેમ્પોની સ્થાપના થવાથી સ્થાનિક લોકોમાં વિશ્વાસ ફરી જાગ્યો છે. શાસન-પ્રશાસન વધુ મજબૂત બન્યું છે અને લોકોમાં દેશ સાથે જોડાવાની ભાવના વિકસી છે. સુરક્ષાની લાગણી વધતા ગ્રામજનો હવે ખુલ્લેઆમ રાષ્ટ્રીય પર્વો ઉજવવા માટે આગળ આવી રહ્યા છે.

ગયા વર્ષે પણ 13 ગામોમાં ફરકાવ્યો હતો ધ્વજ

આઈજીએ જણાવ્યું કે ગયા વર્ષે 15 ઑગસ્ટે 13 ગામોમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. હવે આ ગામોને જોડીને કુલ 54 ગામો એવા થઈ જશે, જ્યાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસ ઉજવાશે. આ બદલાવ બસ્તર વિસ્તારમાં શાંતિ, વિશ્વાસ અને વિકાસના નવા યુગની શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે.

આ પણ વાંચો: Republic Day 2026 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, આન-બાન-શાનનું પ્રતીક રાષ્ટ્રીય પર્વ: PM મોદી