android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha News: પ્રાંતિજમાં તગડો ટોલ ટેક્સ વસૂલવા છતાં ઓવરબ્રિજ અને સર્વિસ રોડ પર મોટી તિરાડો પડી

calendar_todayAugust 26, 2026

Sabarkantha News: પ્રાંતિજમાં તગડો ટોલ ટેક્સ વસૂલવા છતાં ઓવરબ્રિજ અને સર્વિસ રોડ પર મોટી તિરાડો પડી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર તંત્રની ગંભીર બેદરકારી જેવું કામકાજ ખુલ્લું પડ્યું છે.પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે તાજેતરમાં જ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો નવો ઓવરબ્રિજ અને સર્વિસ રોડ માત્ર બે મહિનાના ગાળામાં બિસ્માર બની જતાં અનેક સવાલો ઊભા થયાં છે. હજુ તો આ માર્ગનું કામ પૂરું થયાને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં જ ઓવરબ્રિજ અને સર્વિસ રોડ પર ઠેર-ઠેર મોટી તિરાડો અને ગાબડાં પડી ગયા છે.કેટલીક તિરાડો તો એટલી હદે પહોળી છે કે ટુ-વ્હીલર વાહનોના ટાયર તેમાં ફસાઈ જાય. 

રહીશોએ ભારે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો

આ ઉપરાંત ઓવરબ્રિજની પ્રોટેક્શન RCC દિવાલની બિલકુલ નજીક જ મોટી તિરાડો અને ગાબડાં દેખાતાં બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.રાત્રિના સમયે આ ખાડા અને તિરાડો નજરે ન પડવાને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી તગડો ટોલટેક્સ વસૂલવામાં આવે છે છતાં તેમને સુવિધાના નામે ખાડાવાળો અને જોખમી રસ્તો જ નસીબ થઈ રહ્યો છે.સ્થાનિક રહીશોએ ભારે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે,હજુ સુધી વિસ્તારમાં કોઈ ભૂકંપ આવ્યો નથી છતાં આટલી મોટી તિરાડો પડી ગઈ છે. 

સુપરવિઝન કરનાર અધિકારીઓની દેખરેખ સામે ગંભીર સવાલો

માર્ગ નિર્માણની ગુણવત્તા અને સુપરવિઝન કરનાર અધિકારીઓની દેખરેખ સામે ગંભીર સવાલો ઉઠતાં કાર્યવાહીની લોકમાંગ પ્રબળ બની છે.નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)દ્વારા આ સમગ્ર નિર્માણ કાર્યની તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ કરાવવામાં આવે તે જરૂરી છે.જો કામગીરીમાં ક્ષતિ કે ગુણવત્તાહીન મટીરિયલનો વપરાશ જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કડક કાર્યવાહી કરી તેમના જ ખર્ચે આ રસ્તાનું ગુણવત્તાયુક્ત અને મજબૂત રિપેરિંગ કરાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Mehsana News: અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના વેપારી સુરેશ પટેલનો હત્યારો પકડાયો