android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha News: સાલેરા ગામમાં સિમેન્ટ મિક્સર વાહન પલટ્યું, 2 શ્રમિકોના મોત

calendar_todayMay 31, 2026

Sabarkantha News: સાલેરા ગામમાં સિમેન્ટ મિક્સર વાહન પલટ્યું, 2 શ્રમિકોના મોત

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના સાલેરા ગામેથી એક અત્યંત કમકમાટીભરી ઘટના સામે આવી છે. સાલેરા ગામે ચાલી રહેલા નાળાના બાંધકામ દરમિયાન એક મોટું વાહન અચાનક પલટી મારી જતાં બે શ્રમિકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

કોંક્રિટ મિક્સર વાહન પલટી જતાં દબાઈ ગયા શ્રમિકો

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાલેરા ગામે નાળાના પાયાના કામ માટે સિમેન્ટનો માલ બનાવવા માટેનું એક મોટું વાહન ત્યાં કાર્યરત હતું. આ દરમિયાન અચાનક આ મોટું વાહન પલટાઈ ગયું હતું. વાહન પલટી જતાં જ ત્યાં કામ કરી રહેલા શ્રમિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ત્યાં કામ કરી રહેલા રાજસ્થાનના બે શ્રમિકો આ ભારેખમ વાહન નીચે દબાઈ ગયા હતા. વાહનની નીચે ચગદાઈ જવાથી બંને શ્રમિકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા.

એક ઈજાગ્રસ્ત શ્રમિક હિંમતનગર સિવિલ ખસેડાયો

આ ભયાનક અકસ્માતમાં અન્ય એક શ્રમિકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્ત શ્રમિકને વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો

અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોના મોટા ટોળે-ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતક શ્રમિકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Sabarkantha News: પોશીના અને વડાલીમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદ