calendar_todayApril 23, 2026
Sabarkantha News: તલોદના રામપુરા GIDCની આસપાસ કેમિકલયુક્ત પાણીનો કહેર, તપાસનો ધમધમાટ શરૂ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલી રામપુરા GIDC વિસ્તારની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. GIDCની કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીને કારણે સ્થાનિક પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર જોખમમાં મુકાયા છે. યોગ્ય ટ્રીટમેન્ટ કર્યા વિના જ ઉદ્યોગો દ્વારા પાણી છોડાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બોરવેલ અને કૂવાઓ બન્યા ઝેરી
પ્રાપ્ત વિગતો અનુસાર, રામપુરા GIDCની આસપાસ આવેલા ખેતરોના કૂવાઓ અને પીવાના પાણીના બોરવેલનું પાણી હવે રંગીન અને વાસ મારતું થઈ ગયું છે. ઉદ્યોગોના ઝેરી કેમિકલ જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ પ્રદૂષિત બન્યું છે, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળવું મુશ્કેલ બન્યું છે. આ દૂષિત પાણીના વપરાશથી લોકોમાં ચામડીના રોગો અને અન્ય ગંભીર બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિકોની આક્રોશપૂર્ણ રજૂઆત
સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આખરે વિવાદ વધ્યો હતો. જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ટીમે તલોદની વિવિધ કંપનીઓમાં તપાસ હાથ ધરી છે. GPCB દ્વારા અલગ-અલગ પ્લાન્ટ્સ અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે. ગ્રામજનોની માંગ છે કે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પ્રદૂષણ અટકાવવા માટે કાયમી ઉકેલ લાવવામાં આવે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો