android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sanand: નળસરોવર વિસ્તારમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી, 3 આરોપીઓ ફરાર

calendar_todayJanuary 23, 2026

Sanand: નળસરોવર વિસ્તારમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી, 3 આરોપીઓ ફરાર

એશિયાના સૌથી મોટા પક્ષી અભયારણ્ય ગણાતા નળસરોવર વિસ્તારમાં વિદેશી પક્ષીઓના ગેરકાયદે શિકાર અને સંગ્રહના મામલે વન વિભાગે મોટી સફળતા મેળવી છે. મળતી વિગતો અનુસાર, વન વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે નળસરોવર નજીક આવેલા ધરજી મેણી વાડા ફળીયા વિસ્તારમાં ત્રાટકી હતી. અહીં ત્રણ અલગ-અલગ મકાનોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન આશ્ચર્યજનક રીતે વિદેશી પક્ષીઓ અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી છે.

 27 પક્ષીઓની હાલત નાજુક

આ કાર્યવાહી દરમિયાન વન વિભાગે કુલ 37 વિદેશી પક્ષીઓ જપ્ત કર્યા છે. કમનસીબે, આ પક્ષીઓ પૈકી 11 પક્ષીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે.જ્યારે બાકીના 27 પક્ષીઓની હાલત નાજુક હોવાથી તેમને તાત્કાલિક અસરથી વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. પક્ષીઓની સાથે સાથે આ મકાનોમાંથી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી અને પતંગનો જથ્થો પણ મળી આવ્યો છે, જે સૂચવે છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન આ પ્રતિબંધિત દોરીનો ઉપયોગ પક્ષીઓના શિકાર માટે કરવામાં આવી રહ્યો હતો.

આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલમાં, આ ઘટનામાં સંડોવાયેલા ૩ ફરાર આરોપીઓને પકડવા માટે વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે અને અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નળસરોવર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પક્ષીઓના શિકારની આ ઘટનાએ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. વન વિભાગ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યું છે.