calendar_todayMarch 27, 2026
Sandesh Digital Impact: સંદેશ ડિજિટલના અહેવાલની ધારદાર અસર, ગુજરાતના ઉદ્યોગો માટે ઈંધણ ફાળવણીના નિયમોમાં સરકારે કર્યો મોટો સુધારો
વર્તમાન સમયમાં યુદ્ધને કારણે રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઉદ્યોગ જગત માટે રાહતના સમાચાર આવ્યા છે. ખાસ કરીને કચ્છના ઔદ્યોગિક એકમોની રજૂઆત અને સંદેશ ડિજિટલ દ્વારા આ સમસ્યાને સતત વાચા આપ્યા બાદ, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ઈંધણ ફાળવણી અંગેના પરિપત્રમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે.
શું હતો વિવાદ?
અગાઉના પરિપત્ર મુજબ ખેડૂતો માટે 200 લીટર અને મોટા ઉદ્યોગો માટે માત્ર 1,000 લીટર ઈંધણ આપવા માટેની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ મર્યાદા સામે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (FOKIA)ના MD નિમિષ ફડકે દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઉદ્યોગકારોનું કહેવું હતું કે, કચ્છ જેવા ઔદ્યોગિક જિલ્લામાં ખનીજ, મીઠા ઉદ્યોગ અને પરિવહન માટે આ જથ્થો અત્યંત ઓછો છે. આ અંગે સંદેશ ડિજિટલ દ્વારા સૌપ્રથમ આ સમાચારને પ્રસારિત કરીને FOKIAની રજૂઆતને વાચા આપવામાં આવી હતી. જેની હકારાત્મક અસર થઈ હતી.
સરકારનો નવો સુધારા પરિપત્ર (તા 25-03-2026)
ઉદ્યોગોની માંગણી સ્વીકારીને નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા તારીખ 25-03-2026 ના રોજ નવો સુધારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબ ડીઝલ ફાળવવા માટે નીચે મુજબના 4 મુખ્ય મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે.
- સરેરાશ વપરાશ: ડીઝલની ફાળવણી માટે ઉદ્યોગોનો છેલ્લા 6 માસનો સરેરાશ વપરાશ ધ્યાને લેવાનો રહેશે.
- સાધનો અને કામદારોની સંખ્યા: 6 માસ પૂર્વેની અને હાલની સાધનો તેમજ કામદારોની સંખ્યાના આધારે પ્રોરેટા મુજબ જરૂરિયાત નક્કી થશે.
- પંપ પર ન આવી શકે તેવા સાધનો: જે મશીનરી કે સાધનો પેટ્રોલ પંપ સુધી લાવી શકાય તેમ ન હોય, તેની જરૂરિયાત માટે જ ડીઝલ ફાળવવાનું રહેશે.
- રિટેઈલ પંપ પરથી વેચાણ: જે એકમો પાસે પોતાના કન્ઝ્યુમર ડીઝલ પંપ નથી, તેઓએ જ રિટેઈલ પંપ પરથી ખરીદી કરવાની રહેશે.
સંદેશ ડિજિટલના હકારાત્મક પત્રકારત્વની જીત
કચ્છના ઉદ્યોગોની આ ગંભીર સમસ્યા અંગેના સમાચાર સંદેશ ડિજિટલ દ્વારા સૌથી પહેલા પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ હકારાત્મક પત્રકારત્વને કારણે જ સરકાર સુધી ઉદ્યોગોનો અવાજ પહોંચ્યો અને તાત્કાલિક સુધારો કરવામાં આવ્યો. આ સફળતા બદલ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સંદેશ ડિજિટલની કામગીરીને બિરદાવવામાં આવી છે.
આ પણ વાંચો - Kachchh : ખેડૂતોને 200 લીટર અને મોટા ઉદ્યોગો સહિતના ઓપરેશન માટે 1,000 લીટર ડીઝલની ફાળવણી સામે વિરોધ