android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Savarkundlaના દેતડ ગામમાં દારૂ મુદ્દે મહિલાઓ સહિત ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

calendar_todayFebruary 22, 2026

Savarkundlaના દેતડ ગામમાં દારૂ મુદ્દે મહિલાઓ સહિત ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં દારૂના બેફામ વેચાણને લઈને ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે. આજે ગામના સરપંચ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ પોલીસ અધિકારીઓ સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગામમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે બહેનો-દીકરીઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

દેતડમાં દારૂના બેફામ વેચાણ મુદ્દે ગ્રામજનોમાં રોષ

દારૂના અડ્ડાઓને કારણે ગામનું વાતાવરણ દૂષિત થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે લોકો પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ધરણા પર બેસી ગયા હતા. ગ્રામજનોએ પોલીસને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

પોલીસે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું

બુટલેગરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ સાથે લોકોએ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશન ગજવ્યું હતું. મામલો વધુ બિચકતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર દોડી આવી ગ્રામજનોને શાંત પાડ્યા હતા. પોલીસે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના આશ્વાસન બાદ હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે, પરંતુ ગ્રામજનોએ આક્રમક વલણ યથાવત રાખ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો