calendar_todayJanuary 11, 2026
Somnath 'સ્વાભિમાન પર્વ'ની અવધિ લંબાવાઈ: હવે 15 જાન્યુઆરી સુધી યોજાશે ઉત્સવ
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ને લઈને શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહેલા અભૂતપૂર્વ ઉત્સાહ અને ભક્તિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ મહોત્સવ હવે આગામી 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.
ભક્તિ અને લોકલાગણીનો આદર
મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સોમનાથ ખાતે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની વિશાળ મેદની અને પર્વના વિવિધ આકર્ષણો પ્રત્યેના આકર્ષણને જોતા આ નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ લોકોમાં આ પર્વને નિહાળવા માટે અનેરો ધસારો જોવા મળી રહ્યો છે, જેથી વધુમાં વધુ લોકો આ ઐતિહાસિક પર્વનો લ્હાવો લઈ શકે તેવો સરકારનો ઉદ્દેશ્ય છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ
લંબાવવામાં આવેલા સમયગાળા દરમિયાન પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી ચાલુ રહેશે. જેમાં; કલાકારોની પ્રસ્તુતિ: રાજ્યના ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોકસાહિત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક વણઝાર: ગુજરાતની સમૃદ્ધ વિરાસતને પ્રદર્શિત કરતા અનેકવિધ પરંપરાગત કાર્યક્રમો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આમ, હવે સોમનાથ આવતા યાત્રાળુઓ 15 જાન્યુઆરી સુધી આ પવિત્ર અને ગૌરવશાળી 'સ્વાભિમાન પર્વ'ના સાક્ષી બની શકશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો