calendar_todayApril 4, 2026
Strait of Hormuz: ખુબ સારા સમાચાર, હોર્મુઝ પાર કરીને ભારત આવી રહ્યુ છે LPG ટેન્કર ‘ગ્રીન સાન્વી’
શિપ-ટ્રેકિંગ પ્લેટફોર્મ ‘વેસેલફાઈન્ડર’ મુજબ યુદ્ધ શરૂ થયા પછી આ સાતમો ભારતીય એલપીજી કેરિયર છે, જે આ અત્યંત સંવેદનશીલ સમુદ્રી માર્ગમાંથી પસાર થયો છે. ડેટા મુજબ ‘ગ્રીન સાન્વી’ લારક-કેશ્મ ચેનલ મારફતે આગળ વધી રહ્યો છે, જેને હોર્મુઝનો તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત માર્ગ માનવામાં આવે છે.
લોકેશન સતત ટ્રેક થઈ રહ્યું છે
જહાજે પોતાનો ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) ચાલુ રાખ્યો છે, જેના કારણે તેની લોકેશન સતત ટ્રેક થઈ રહી છે. ‘ગ્રીન સાન્વી’ના ડેસ્ટિનેશન સિગ્નલમાં ‘ઇન્ડિયન શિપ, ઇન્ડિયન ક્રૂ’ સંદેશ દર્શાવવામાં આવી રહ્યો છે, જેને છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય જહાજો દ્વારા સંભવિત જોખમથી બચવા માટે અપનાવવામાં આવતી એક રણનીતિ માનવામાં આવે છે. આથી સંભવિત હુમલા અથવા ખોટી ઓળખના જોખમને ઘટાડવામાં મદદ મળે છે.
‘જગ વિક્રમ’ અને ‘ગ્રીન આશા’ નામના બે અન્ય એલપીજી ટેન્કર હજુ પણ હોર્મુઝ નજીક અટવાયેલા છે
બીજી તરફ ‘જગ વિક્રમ’ અને ‘ગ્રીન આશા’ નામના બે અન્ય એલપીજી ટેન્કર હજુ પણ હોર્મુઝ નજીક અટવાયેલા છે. આ બંને જહાજો અગાઉ ‘ગ્રીન સાન્વી’ની નજીક જ જોવા મળ્યા હતા. પરંતુ ‘ગ્રીન સાન્વી’ આગળ વધી ગયો છે, જ્યારે આ બંને જહાજો હજુ પણ પોતાની જગ્યાએ જ છે. આથી એવું લાગે છે કે સુરક્ષા અથવા ઓપરેશનલ કારણોસર તેમને આગળ વધવાની મંજૂરી મળી નથી.
‘નંદા દેવી’, ‘જગ વસંત’, ‘BW ટાયર’, ‘BW એલ્મ’ અને ‘પાઇન ગેસ’ જેવા છ એલપીજી ટેન્કર સુરક્ષિત રીતે ભારતીય કિનારે પહોંચી ગયા
આ પહેલા ‘શિવાલિક’, ‘નંદા દેવી’, ‘જગ વસંત’, ‘BW ટાયર’, ‘BW એલ્મ’ અને ‘પાઇન ગેસ’ જેવા છ એલપીજી ટેન્કર સુરક્ષિત રીતે ભારતીય કિનારે પહોંચી ગયા છે.
લગભગ 58,811 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતો ‘ગ્રીન સાન્વી’ પણ મોટા એલપીજી કેરિયર્સમાં આવે છે, જે ભારતની ઊર્જા જરૂરિયાત માટે ખૂબ મહત્વનો છે. રિપોર્ટ અનુસાર ઓછામાં ઓછા 15 ભારતીય જહાજો હજુ પણ હોર્મુઝના પશ્ચિમ ભાગમાં અટવાયેલા છે, જેમાં તેલ અને ગેસ ભરેલ છે.
હોર્મુઝ પાર કરીને ભારત તરફ આગળ વધતો ‘ગ્રીન સાન્વી’ કયા બંદરે પહોંચશે તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંનું એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસનો લગભગ 20% હિસ્સો પસાર થાય છે. તેથી અહીં કોઈપણ પ્રકારનું તણાવ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ઊર્જા પુરવઠા અને કિંમતો પર અસર કરી શકે છે.
ભારત પોતાની એલપીજી જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે, તેથી આવા ટેન્કરોનું સલામત રીતે પહોંચવું દેશની ગેસ સપ્લાય, કિંમતોની સ્થિરતા અને ઊર્જા સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો: Strait of Hormuz crisis: માઇન્સથી ભરેલો સમુદ્ર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ રીતે પાર થયુ ભારતીય LPG ટેન્કરStrait of Hormuz crisis: માઇન્સથી ભરેલો સમુદ્ર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ રીતે પાર થયુ ભારતીય LPG ટેન્કર