calendar_todaySeptember 15, 2026
Surat: રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ ગિરફ્તાર
સુરત શહેરને ડ્રગ્સમુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં દરોડો પાડીને બાશીત રઝાક સૈયદ નામના ઇસમને ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.
રાંદેર વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમ ઝડપાયો
પોલીસે આરોપી પાસેથી 52.360 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 1,57,080 થવા જાય છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી બાશીત સૈયદ અગાઉ કપડાં વેચવાનો વ્યવસાય કરતો હતો. પરંતુ કપડાંના ધંધામાં યોગ્ય કમાણી કે નફો ન થતાં તેણે રાતોરાત અમીર બનવા અને શોર્ટકટથી પૈસા કમાવાના ચક્કરમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો માર્ગ પસંદ કર્યો હતો.
શોર્ટકટથી પૈસા કમાવા અપનાવ્યો ડ્રગ્સનો કારોબાર
આરોપીએ આ ડ્રગ્સનો જથ્થો એક વોન્ટેડ શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું છે. સુરત SOG એ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડવા માટે આગળની તપાસ ચાલુ કરી છે.