android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat ટેક્સટાઇલ માર્કેટ કૌભાંડ: કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો, 2.84 કરોડના ચેક રિટર્ન

calendar_todayMay 4, 2026

Surat ટેક્સટાઇલ માર્કેટ કૌભાંડ: કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો, 2.84 કરોડના ચેક રિટર્ન

સુરત ઇકો સેલ પોલીસે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરનાર આરોપી ગણેશન ઉર્ફ મુરલી થંગાવેલની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ તેના સાગરીતો સાથે મળીને આધાર કાર્ડમાં સરનામું બદલાવી કર્ણાટકના મૈસૂરમાં 'શિવમ ટ્રેડર્સ' નામે એક બોગસ પેઢી ઉભી કરી હતી. શરૂઆતમાં નાની ખરીદી કરી તેના સમયસર નાણાં ચૂકવી વેપારીઓનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો, જેથી મોટો ઓર્ડર મેળવવામાં વેપારીઓ ખચકાય નહીં.

આરોપી ગણેશન ઉર્ફ મુરલી થંગાવેલની ધરપકડ

એકવાર ભરોસો જીત્યા બાદ, આ ટોળકીએ અંદાજે 1,75,491 નંગ જેકાર્ડ સાડીઓનો જંગી જથ્થો ઉધારમાં મંગાવી લીધો હતો. આ માલના પેમેન્ટ પેટે આરોપીઓએ સેન્ટ્રલ બેંકના કુલ 49 ચેકો એડવાન્સમાં આપ્યા હતા, જેની કુલ કિંમત આશરે 2.84 કરોડ રૂપિયા થતી હતી. જોકે, જ્યારે વેપારીઓએ આ ચેકો બેંકમાં જમા કરાવ્યા ત્યારે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી તમામ ચેકો રિટર્ન થયા હતા અને આરોપીઓ પોબારા ભણી ગયા હતા.

કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આ ચકચારી કેસમાં સુરત પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે ગણેશન ઉર્ફ મુરલી લાંબા સમયથી ફરાર હતો. ઇકો સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઝડપી પાડી નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આ રિમાન્ડ દરમિયાન લૂંટાયેલા મુદ્દામાલની રિકવરી અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો