calendar_todaySeptember 11, 2026
Surat: શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી જીત્યો વિશ્વાસ; બાદમાં 25 લાખનો માલ લઈ ગાયબ
ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલા કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના હાવડા ખાતે કાપડનો વેપાર કરતા એક વેપારીએ સારોલીના કાપડ વેપારીનો સંપર્ક કરીને કાપડનો માલ ખરીદવાનું શરૂ કર્યું હતું.
પશ્ચિમ બંગાળના વેપારીએ 25.07 લાખની છેતરપિંડી આચરી
શરૂઆતના તબક્કે હાવડાના વેપારીએ સુરતના વેપારીનો પૂર્ણ વિશ્વાસ સંપાદિત કરવા માટે મંગાવેલા કાપડના જથ્થાનું પેમેન્ટ સમયસર ચુકવી દીધું હતું. વેપારી સંબંધો ગાઢ બનતાં જ હાવડાના વેપારીએ સુરતના વેપારી પાસેથી કુલ રૂ. 25.07 લાખની કિંમતનો મોટો કાપડનો જથ્થો મંગાવ્યો હતો. રૂ. 25.07 લાખનો કાપડનો જથ્થો હાવડા પહોંચી ગયા બાદ જ્યારે સુરતના વેપારીએ તેના પેમેન્ટ માટે ઉઘરાણી શરૂ કરી ત્યારે હાવડાનો વેપારી વાયદાઓ કરવા લાગ્યો હતો.
શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી જીત્યો વિશ્વાસ
અંતે આરોપી વેપારી પોતાનો ફોન બંધ કરીને સંપર્ક વિહોણો થઈ ગયો હતો.પોતાની સાથે 25.07 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં જ સુરતના સારોલી વિસ્તારના વેપારીએ આ અંગે સારોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે હાવડાના આરોપી કાપડ વેપારી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat: કોસાડ આવાસમાં મેગા ડિમોલિશન, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું જેસીબી