android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: મહુવા તાલુકામાં 34 ગામોના 3500 થી વધુ ખેડુતોને દિવસે વીજળી મળશે

calendar_todayJanuary 5, 2026

Surat: મહુવા તાલુકામાં 34 ગામોના 3500 થી વધુ ખેડુતોને દિવસે વીજળી મળશે

રાજય સરકારની મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. તાલુકામાં અગાઉ બાકી રહેલા ગામોમાં હવે દિવસ દરમ્યાન ખેતીવાડી વીજ પુરવઠો વિધિવત રીતે શરૂ કરવામાં આવતા કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ પૂર્ણ થયો છે.

નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે

સુરતના મહુવા તાલુકામાં આવેલ ૬૬ કેવી બામણિયા અને ૬૬ કેવી ભીમપોર સબસ્ટેશનમાંથી નીકળતા ખેતીવાડી ફીડરોમાં અગાઉ બે શિફ્ટ મુજબ પુરવઠો આપવામાં આવતો હતો. જેટેકો દ્વારા લાઈનના મજબૂતીકરણ માટે અંદાજે રૂપિયા ૨૫ લાખના ખર્ચે જરૂરી કામગીરી પૂર્ણ થતા, મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કુલ ૧૧ એ.જી.(ખેતીવાડી) ફીડરોને દિવસ દરમ્યાન વીજ પુરવઠા માટે વિધિવત રીતે કાર્યરત કરવામાં આવ્યા છે. ૬૬ કેવી બામણિયા સબ સ્ટેશનમાંથી કુલ ૦૭ એ.જી. ફીડરો નામે ઝેરવાવરા, કાંકરીયા, ભગવાનપુરા, કઢૈયા, બારતાડ, પુના અને નેવાણિયા, આ ફીડરો દ્વારા લાભાર્થી ૧૮ ગામોના કુલ ૨૫૯૫ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસ દરમ્યાન નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે.

ખેતીવાડી ગ્રાહકોને સીધો લાભ થશે

૬૬ કેવી ભીમપોર સબસ્ટેશનમાંથી કુલ ૦૪ એ.જી. ફીડરો નામે હટુકા, કુંભીયા, બહેજ અને ખાખર.આ ફીડરો દ્વારા લાભાર્થી ૧૬ ગામોના કુલ ૬૦૦ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસ દરમ્યાન વીજ પુરવઠો મળશે. આ રીતે મહુવા તાલુકાના બાકી રહેલા કુલ ૩૪ ગામડાંઓને હવે આગળથી દિવસ દરમ્યાન ખેતીવાડી વીજ પુરવઠો મળશે અને કુલ મળીને ૩૫૦૦થી વધુ ખેતીવાડી ગ્રાહકોને સીધો લાભ થશે. દિવસ દરમ્યાન પુરવઠો મળવાથી ખેડૂત ખાતેદારોને રાત્રી દરમ્યાન ખેતરમાં જવું પડતું હોવાથી થતો જંગલી જાનવરનો ભય, અકસ્માતનો જોખમ તથા અસુરક્ષા ઘટશે અને ખેતીકામ વધુ સલામત તથા આયોજનબદ્ધ રીતે કરી શકાશે.આ કામગીરી માટે જેટકો દ્વારા રૂા.૮૦ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે


આ પણ વાંચોઃ Gir Somnath: તાલાલાના લોટસ રિસોર્ટમાં દારૂની મહેફિલ પર LCBનો દરોડો, 21.76 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના 5 શખ્સો ઝડપાયા