calendar_todayJanuary 31, 2026
Surat: 342 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "સ્વચ્છતામાં સુરતે ગજબ કરી છે, હવે તેને જાળવવી એ પડકાર
ડાયમંડ સિટી સુરતના ડભોલી વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ રૂપિયા 342.81 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ગરિમામય હાજરી રહી હતી.
અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડભોલી ખાતે નિર્મિત અત્યાધુનિક અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ રહ્યું હતું, જેનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, ગોટાલાવાડી ટેનામેન્ટ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરી કોમ્પ્યુટરરાઇઝ્ડ ડ્રો દ્વારા લાભાર્થીઓને ઘરની ફાળવણી કરવામાં આવી હતી.
સુરતની સ્વચ્છતા અને જાગૃતિના વખાણ
મુખ્યમંત્રીએ સુરતીઓના મિજાજ અને શહેરની સ્વચ્છતાના મુક્ત કંઠે વખાણ કરતા જણાવ્યું હતું કે, "સુરતની વાત જ કંઈક અલગ છે. સ્વચ્છતામાં સુરતે ગજબ કરી છે." તેમણે આનંદ વ્યક્ત કર્યો કે હવે લોકો રોડ પર કચરો ફેંકતા ડરી રહ્યા છે, જે નાગરિકોમાં આવેલા બદલાવની નિશાની છે. જોકે, તેમણે ટકોર પણ કરી હતી કે આ સ્વચ્છતા જાળવી રાખવી એ હવે સુરત માટે મોટો પડકાર છે.
વિકાસની રાજનીતિ અને 2047નું લક્ષ્ય
સીએમએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસનો જે વિચાર મૂક્યો હતો, તેને કારણે આજે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. શહેરી વિકાસ માટે રાજ્યનું બજેટ હવે 30 હજાર કરોડથી વધુનું છે. તેમણે કહ્યું કે, "અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ." વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવા માટે સૌના સાથ અને સૌના પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
મહત્વની જાહેરાતો અને ઉદ્યોગોને પ્રોત્સાહન
સુરત પ્રદૂષણમુક્ત પરિવહન અને ગ્રીન મોબિલિટીમાં દેશમાં મોખરે છે.'કેચ ધ રેઈન' અભિયાન અંતર્ગત ધારાસભ્યો પોતાના ફંડમાંથી 50 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. સુરતના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ફાળાને બિરદાવતા નવી ટેક્સટાઇલ પોલિસીની અસરકારકતા વિશે વાત કરી હતી.