android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: તાપી નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, 38 કલાકની શોધખોળ બાદ ધોરણ-10ના વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ

calendar_todayMarch 6, 2026

Surat: તાપી નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, 38 કલાકની શોધખોળ બાદ ધોરણ-10ના વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ

રંગોના પર્વ ધૂળેટીના દિવસે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ આવેલી તાપી નદીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોમાંથી બેના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 38 કલાકની ભારે જહેમત બાદ આજે ધોરણ-10ના વિદ્યાર્થી ક્રિષ્ના ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો છે.

તાપી નદીમાં ન્હાવા પડેલા બે મિત્રોના મોત

ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ ત્રણ મિત્રો—જેમાં બે માસીયાઈ ભાઈઓ અને એક અન્ય મિત્ર હતા—સરથાણા પાસે તાપી નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બે કિશોર ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. તેમને ડૂબતા જોઈ ત્રીજો મિત્ર ગભરાઈને બહાર નીકળી ગયો હતો અને તાત્કાલિક ઘટનાની જાણ કરી હતી.

મૃતક ધોરણ-10માં અભ્યાસ કરતો હતો

મૃતક ક્રિષ્ના ચૌહાણ ધોરણ-10માં અભ્યાસ કરતો હતો અને આગામી દિવસોમાં તેની બોર્ડની પરીક્ષાઓ હતી. ક્રિષ્ના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા દુબઈમાં નોકરી કરે છે અને માતા હીરાના કારખાનામાં મજૂરી કરી ઘર ચલાવે છે. પરીક્ષાના થોડા દિવસો પહેલા જ બનેલી આ કરુણાંતિકાએ પરિવારને ભાંગી નાખ્યો છે.

મૃતદેહ પરિવારને સોંપ્યો

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે પ્રથમ મૃતદેહ મળી આવ્યા બાદ, આજે સતત 38 કલાકની શોધખોળના અંતે ક્રિષ્ના ચૌહાણનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો છે.

આ પણ વાંચો:Bhavnagar: PGVCL-GUVNLના દરોડામાં 30 લાખની વીજચોરી ઝડપાઈ, એક સપ્તાહમાં કુલ 74.85 લાખનો દંડ વસૂલાયો