calendar_todayMarch 26, 2026
Surat: અમરોલી પોલીસે કુખ્યાત આઝાદસિંગ ગેંગને પાંજરે પૂરી, 39 ગુનામાં સંડોવાયેલી ટોળકી પર GUJCTOCનો ગાળિયો
શહેરમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર અમરોલી પોલીસ દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે. વર્ષોથી ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત આઝાદસિંગ ચીકલગીર ગેંગ વિરુદ્ધ પોલીસે હવે શસ્ત્ર ઉગામ્યું છે. આ ગેંગ વિરુદ્ધ GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
39 ગુનાઓનો લાંબો ઈતિહાસ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આઝાદસિંગ ચીકલગીર ગેંગ વિરુદ્ધ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 39 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ગુનાઓમાં મુખ્યત્વેમિલકત સંબંધી ઘરફોડ ચોરી, સશસ્ત્ર લૂંટ,હત્યાની કોશિશ,પોલીસ પર હુમલો અને અન્ય ગંભીર કલમોનો સમાવેશ થાય છે.
રાજ્યમાં પ્રથમવાર આવી કાર્યવાહી
સામાન્ય રીતે ગેંગસ્ટર કે ખંડણીખોરો સામે GUJCTOC લાગતો હોય છે, પરંતુ સુરતમાં પ્રથમવાર ઘરફોડ ચોરી આચરનારી કોઈ ગેંગ વિરુદ્ધ આ કડક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમરોલી પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.