calendar_todayMarch 24, 2026
Surat: પુણા પોલીસે ફ્રૂટ માર્કેટ પાસેથી 4 શખ્સોને 6 કિલો ગાંજા સાથે દબોચ્યા, 3.89 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ પુણા પોલીસ મથકની ટીમે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પાસેથી 4 શખ્સોને લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
સુરતમાં ગાંજા સાથે 4 લોકો ઝડપાયા
પુણા પોલીસને બાતમી મળી હતી કે ફ્રૂટ માર્કેટ પાસે કેટલાક શખ્સો નશીલા પદાર્થનું વેચાણ કરવાના ઈરાદે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 4 વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી 5.952 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹2,97,600 થાય છે.
આરોપીઓ વિરુદ્ધ NDPS હેઠળ ગુનો નોંધ્યો
પોલીસે આ ઓપરેશન દરમિયાન 5.952 કિલોગ્રામ ગાંજો,મોબાઈલ અને રોકડ રકમ, એક બાઈક સહીત કુલ મુદ્દામાલ અંદાજે 3.89 લાખ જપ્ત કર્યો છે.પુણા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.